America: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનો નથી. એક પછી એક ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આવી સ્થિતિમાં વાલીઓના મનમાં અજીબોગરીબ ભયનું વાતાવરણ ઊભું થયું છે. હવે વાલીઓ પોતાના બાળકોને અમેરિકા ભણવા મોકલતા ડરે છે. આ મામલે ઘણી વખત ભારતીય વિદેશ મંત્રાલયે પણ અમેરિકા પાસે ભારતીય વિદ્યાર્થીઓના મોતનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો છે. આમ છતાં વિદ્યાર્થીઓના મોતના કિસ્સાઓ અટકતા નથી અને હવે ઓહાયો સ્ટેટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.
યુએસ પોલીસે કહ્યું…
યુએસ પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે અન્ય એક વિદ્યાર્થીના મોતની માહિતી આપી હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઓહાયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુઃખી છું” અને તે ભારતમાં પરિવારના સંપર્કમાં છે.
તેમણે કહ્યું, “તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીના મૃતદેહને ભારત મોકલવાનો સમાવેશ થાય છે.”
અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓના મોત થયા છે
ઉમા સાઈ પહેલા પણ અમેરિકાના અલગ-અલગ સ્થળોએ અનેક ભારતીય વિદ્યાર્થીઓના વિવિધ કારણોસર મોત થયા છે. જેના કારણે હવે વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે અમેરિકા મોકલતા ડરી રહ્યા છે. તાજેતરના કિસ્સામાં, ઉમા સત્ય સાઈના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.