
તૈયારીઓ કોમનવેલ્થ ગેમ્સની, નજર ઓલિમ્પિકની યજમાની પર ગુજરાત સરકારે માત્ર એક વર્ષમાં રમત-ગમત માટેના બજેટમાં આશરે 100 ટકાનો જ્યારે 2023-24ના નાણાંકીય વર્ષની સરખામણીએ 253 ટકાના વધારો કર્યો, જેમાં રમત-ગમતની માળખાકીય સુવિધા ઊભી કરવા પાછળ 911 કરોડની જંગી જોગવાઈ કરાઈ નરેન્દ્ર આઈ. પંચોલી, ગાંધીનગર એક તરફ કેન્દ્ર સરકારે તેના બજેટમાં 2026-27ના વર્ષ માટે ભારતીય રમતને ઐતિહાસિક પ્રોત્સાહન આપતા યુવા બાબતો અને ખેલ મંત્રાલયને 2025-26ના રુ. 3,346 કરોડની ફાળવણીમાં 18 ટકાની વૃદ્ધિ સાથે રુ. 4,479.88 કરોડની ફાળવણી કરી છે ત્યારે ગુજરાત સરકારે રમતોને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે તે ખાતાના બજેટમાં માત્ર એક વર્ષમાં સો ટકાનો જ્યારે નાણાંકીય વર્ષ 2023-24ની સરખામણીએ 253 ટકાનો જંગી વધારો કરી રાજ્યની કોમનવેલ્થ ગેમ્સની યજમાની વાતો અને તૈયારી સાથે ઓલિમ્પિકની યજમાની માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ચોથા નાણાંકીય વર્ષે 253 ટકાની વૃદ્ધિ રાજ્યની કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અને ઓલિમ્પિકના યજમાનીની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતા રાજ્યના નાણાંકીય વર્ષ 2026-27ના બજેટ પર પ્રકાશ પાડતાં રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ ડૉ. રાહુલ ગુપ્તા (આઈએએસ)એ જણાવ્યું હતું કે 2023-24માં આ વિભાગ માટે 568.36 કરોડની ફાળવણી કરાઈ હતી જે 2024-25માં વધારીને 767 કરોડ, 2025-26માં 1093 કરોડ અને 2026-27માં 2006 કરોડ રુપિયા કરવામાં આવી છે. દેશના રાજ્યોના રમત-ગમત ખાતા પાછળ બજેટની જોગવાઈએમાં ટૂંકા ગાળામાં આ સોથી વધુ ઐતિહાસિક વૃદ્ધિ માની શકાય.
2026-27ના બજેટમાં સ્પોટર્સને લઈને મોટી જાહેરાતો અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોટર્સ એન્કલેવ માટે 500 કરોડ.
કોમનવેલ્થ ગેમ્સને લઈને રમત પ્રવૃત્તીઓ શરૂ કરવા માટે 101 કરોડ.
કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડમી પર ઓલિમ્પિક કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે 100 કરોડ.
ગાંધીનગરમાં વિશેષ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર માટે 100 કરોડ.
ગાંધીનગરના આઈઆઈટી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના હોકી સ્ટેડિયમના વિકાસ માટે 90 કરોડ.
સુરતમાં સાઉથ ગુજરાત સ્પોટર્સ હબના વિકાસ માટે 10 કરોડ.
મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં નવા સ્પોટર્સ સંકુલના વિકાસ માટે 10 કરોડ.
બજેટની ભવિષ્યમાં થનારી અસરો રાહુલ ગુપ્તાએ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં રમત-ગમત માટેના બજેટમાં કરેલા જંગી વધારાની ભવિષ્યમાં થનારી અસરો અંગે છળાવટ સાથે આપેલી માહિતી નીચે મુજબ છે.
આ પ્રોજેક્ટોને લીધે ગુજરાતને ટોચના સ્પોટર્સ હબ તરીકે બનવામાં મદદ મળશે.
મોટી નેશનલ અને ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સના આયોજન માટે સક્ષમ બની શકાશે.
આ સવલતોનો પ્રોફેશનલ એથ્લેટ્સ જ નહીં પણ સામાન્ય જનતાને પણ વર્ષો સુધી લાભ મળશે.
ગામડા અને શહેરના યુવા ખેલાડીઓને વધુ સારી તાલીમ અને સમર્થન પ્રાપ્ત થશે.
પેરા-એથ્લેટ્સ સહિતના ખેલાડીઓને ધીરે-ધીરે ચેમ્પિયન્સ બનવામાં મદદ મળશે.
વધુને વધુ નગરો અને જિલ્લાઓમાં સ્પોટર્સની વધુ સારી સવલતોને લીધે વધુ બાળકો અને યુવાઓ રમતોમાં ભાગ લઈ શકશે.
નવી પ્રતિભાઓની ઓળખ થઈ શકશે અને સમાજને વધુ સક્રિય અને સ્વસ્થ બનાવવામાં મદદરૂપ થશે.
ઓલિમ્પિક રેડી સિટી અને કોમનવેલ્થ માટે 1278 કરોડ રૂપિયા
ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આનાથી અમદાવાદમાં સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધા વિકસાવાશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના આધુનિકીકરણ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.
ખેલો ઈન્ડિયા હેઠળ ગુજરાતને 500 કરોડની ફાળવણી એક તરફ ખેલ પ્રતિભા (મેડલ)ના મામલામાં દેશમાં સૌથી આગળ હોવા છતાં તાજેતરમાં ખેલો ઈન્ડિયા ફંડિંગમાં હરિયાણાને ગુજરાતની સરખામણીએ ખૂબજ ઓછા (લગભગ 3 ટકા અથવા 65-80 કરોડ ફાળવાયા છે. ત્યારે બીજી બાજુ ગુજરાતને અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબજ વધુ કહી શકાય એવા ખેલો ઈન્ડિયા અંતર્ગત 500 કરોડ રુપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી છે.




