America: હમાસનો આતંકવાદી હુમલો અને પછી ઈઝરાયેલનો વળતો હુમલો. હવે આ યુદ્ધની અસર અમેરિકામાં વ્યાપકપણે જોવા મળી રહી છે. કોલંબિયા યુનિવર્સિટીમાં આ મહિને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને વિરોધકર્તાઓની ધરપકડ બાદ, વિદ્યાર્થીઓએ અન્ય કોલેજ કેમ્પસમાં પણ દેખાવો શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓ ગાઝામાં ઇઝરાયલના લશ્કરી પ્રયાસોને ટેકો આપતી કંપનીઓમાંથી યુનિવર્સિટીઓને અલગ કરવાની માંગ કરી રહ્યા છે. ન્યુયોર્ક પોલીસે 18 એપ્રિલના રોજ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી, જે પછી દેશભરમાં ધરપકડ કરાયેલા વિરોધીઓની સંખ્યા 1,000 પર પહોંચી ગઈ છે.
વિરોધમાં બહારના લોકો જોડાયા હતા
ઘણા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓના જૂથો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. કેટલીક યુનિવર્સિટીઓએ કહ્યું કે વિદ્યાર્થીઓના વિરોધમાં બહારના લોકો પણ જોડાયા છે અને મુશ્કેલી ઊભી કરી છે. આ પ્રદર્શનો કેનેડા અને યુરોપમાં ફેલાઈ ગયા છે. પેલેસ્ટિનિયન તરફી વિરોધીઓએ તેના મુખ્ય પ્રાંગણ પર કબજો મેળવ્યા પછી ફ્રેન્ચ પોલીસે સોર્બોન યુનિવર્સિટીમાંથી ઘણા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. શૈક્ષણિક વર્ષ પૂરું થઈ ગયું હોવાથી સત્તાવાળાઓ વિરોધને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ઘણી જાણીતી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે. કોલંબિયા યુનિવર્સિટીના પ્રવક્તા બેન ચાંગે જણાવ્યું હતું કે યુનિવર્સિટી સમયમર્યાદા પછી કેમ્પસ ખાલી કરવાની ચેતવણીનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થી વિરોધીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી રહી છે.
ભારતીય વિદ્યાર્થીની ધરપકડ
દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે, તાજેતરમાં અમેરિકાની પ્રતિષ્ઠિત પ્રિન્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના વિદ્યાર્થી અચિન્ત્ય શિવલિંગમની કોલેજ કેમ્પસમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. કેમ્પસમાં વિરોધ કરવા અને તંબુ બાંધવા બદલ શિવલિંગમની ધરપકડ કરવામાં આવી હતી. અચિંત્ય શિવલિંગમની સાથે અન્ય એક વિદ્યાર્થી હસન સઈદની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વિરોધ વધી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં હજારો વિદ્યાર્થીઓ ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના કારણે ગાઝામાં થયેલા મોતનો વિરોધ કરી રહ્યા છે. ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શરૂ થયેલો વિરોધ હવે દેશભરની કોલેજોમાં પહોંચી ગયો છે. વિરોધ કરનારાઓ તેમની યુનિવર્સિટીઓને ગાઝા યુદ્ધમાંથી નફો કરતી કંપનીઓમાંથી છૂટા કરવાની માંગ કરી રહ્યા છે અને તાત્કાલિક યુદ્ધવિરામની હિમાયત કરી રહ્યા છે.