Lok Sabha Election : વડોદરા લોકસભા બેઠક સહિત રાજ્યમાં લોકસભા 2024નું ઇલેક્શન ચાલી રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર આવી પોતાનો અમૂલ્ય મત આપી દેશસેવાનું કાર્ય કરી રહ્યા છે. એવામાં વડોદરામાં એક અનોખા મતદારે આકર્ષણ જમાવ્યું છે. જેમાં એક મતદારે હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું છે.
વડોદરાના દીપક શાસ્ત્રી નામના મતદારે અનોખી રીતે મતદાન કર્યું છે. નવયુગ વિદ્યાલયના મતદાન મથક ખાતે દીપક શાસ્ત્રી નામના મતદારે હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કરતા લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સવારે 7 વાગ્યે મતદાનની પ્રક્રિયા શરુ થતાની સાથે જ દિપક શાસ્ત્રી ફતેગંજમાં આવેલ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલા મતદાન કરવા પહોંચી ગયા હતા.
મતદાન મથકે જય શ્રીરામ બોલતાં બોલતાં દીપક શાસ્ત્રીએ મંત્રોચ્ચાર સાથે મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો. મતદાન કરવા માટે દીપક શાસ્ત્રીએ ભાગવા રંગની પોશાક, હાથમાં ગાળા તેમજ માથે મુકુટ પહેરીને હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો. જોકે, આવા અનોખા મતદાર કે જેઓ હનુમાનજીનો વેશ ધારણ કરીને મતદાન કરવા પહોંચ્યા તેમને જોઈને અન્ય મતદારોમાં પણ ચોંકી ઉઠ્યા હતા.
આ અંગે મતદાર દીપક શાસ્ત્રી જણાવે છે કે, “500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. જે આપણા હિન્દુ સમાજ માટે ખુબ જ ગૌરવની વાત છે. આ બધાનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.”