
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની સુપ્રીમકોર્ટ જેવી સર્વોચ્ચ અદાલતે પણ જે રીતે તપાસ એજન્સીઓ CBI, ED, IT વિગેરે સંસ્થાઓની સમયાંતરે ઝાટકણી કાઢી છે તે ખરેખર સદર સંસ્થાઓ માટે ઢાંકણીમાં પાણી લઈ ને ડૂબી મરવા જેવી બાબત છે. પરંતુ કોને ખબર કેમ આવી ટોચની એજન્સીઓ સુધરવાનું નામ નથી લઈ રહી. પોતાની કામગીરી સુધારવાને બદલે ઉલ્ટાની વધારે બગાડી રહી હોવાનો વધુ એક ઘટનાક્રમ છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ તેમના વરિષ્ઠ નેતાઓનો એકસાઇઝ કેસમાં જે રીતે નિર્દોષ છુટકારો થયો છે. એ જોતાં જ તપાસનિશ એજન્સીઓ શંકાના ઘેરામાં આવી જાય છે.
એવા દેશના રાજકારણમાં ભારે હલચલ મચાવી દેનારા આ કેસમાં આમ આદમી પાર્ટીને તો ભારે નુકશાન વેઠવાનું આવ્યું અને દિલ્હીમાંથી આ પ્રકરણ બાદ સત્તા પણ ગુમાવવી પડી હતી. તેમજ કેજરીવાલ ,મનોજ સિસોદિયા વગેરે જેવા વરિષ્ઠ નેતાઓને જેલ વાસ પણ ભોગવવાની નોબત આવી હતી. ત્યારે સ્વાભાવિક પણે જ CBI કે ED ની કામગીરીની ભારે ટીકા થવાની જ. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને અગાઉ તેમની કાર્ય પધ્ધતિ અને તપાસ પધ્ધતિ અંગે પ્રશ્નોનો સામનો કરવો પડયો છે. આ એજન્સીઓ જે છબી રજૂ કરી રહી છે તેના અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. જોકે દિલ્હી દારૂ નીતિ કૌભાંડ અંગેના ખાસ અદાલતના નિર્ણયથી ફરી એકવાર સવાલો ઊભા થયા છે કે શું આ એજન્સીઓ રાજકારણીઓ અને અન્ય વ્યક્તિઓ સામે ઈરાદાપૂર્વક કેસ કરી રહી છે? અને શું તેનો દુરુપયોગ થઈ રહ્યો છે?
પરંતુ આઘાતજનક રીતે વિરોધ પક્ષો અને અદાલતો ધ્વારા વારંવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હોવા છતાં ED અને CBI ની કાર્યપધ્ધતિ માં કોઈ ફેરફાર થયો નથી. ED ધ્વારા નોંધાયેલા તમામ કેસોમાં દોષિત ઠેરવવાનો દર સાવ ઓછો છે અને આવું શા માટે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે. શું એ ચિંતાનો વિષય ન હોવો જોઈએ કે આ એજન્સીઓની વિશ્વસનીયતા જે ફકત તેમની કાર્યશૈલીને કારણે જ પ્રશ્નાર્થમાં મુકાઈ રહી છે. તે જે કોઈ સાચા કેસો હશે તેમાં પણ તેમની વિશ્વસનીયતા દાવ પર નહીં મુકાય? આમ તપાસ એજન્સીઓ જાણે કે કોઈના ઇશારે કામગીરી કરી કઠપૂતળી બની ગઈ હોય એવું જનમાનસમા અંકિત થઈ રહ્યું છે.




