સુપ્રીમ કોર્ટે શુક્રવારે અપક્ષ ઉમેદવારની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ અરજીમાં અપક્ષ ઉમેદવારે લોકસભા ચૂંટણીમાં પોતાનું નામાંકન નકારવાના નિર્ણયને પડકાર્યો હતો. વાસ્તવમાં, જહાનાબાદ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર અભિષેક ડાંગીનું નામાંકન રિટર્નિંગ ઓફિસરે ટેકનિકલ કારણોસર નામંજૂર કર્યું હતું. જેની સામે ઉમેદવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ અરવિંદ કુમારની વેકેશન બેંચે અરજદારના વકીલને પટના હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ અરજી દાખલ કરવા જણાવ્યું હતું. હકીકતમાં, પટના હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે અરજદારની અરજીને ફગાવી દીધી હતી, જેમાં અરજદારે તેના નામાંકનને નકારવાના નિર્ણયને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અરજદારના વકીલ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ચૂંટણી અરજી પણ દાખલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યા બાદ વકીલે અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી, જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.