
ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે સાતમી માર્ચ સુધી તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો થશે વધારો નિષ્ણાતોના મતે આ સમયગાળામાં તાપમાન અચાનક ઝડપથી વધશે અને ગરમી ઘણા જૂના રેકોર્ડ તોડી શકે છે.
શિયાળો હવે ગુજરાત સહિત દેશમાંથી વિદાય લઈ રહ્યો છે. ઉનાળાનો હવે અનુભવ થવા લાગ્યો છે. જાેકે, આ વર્ષના ગરમીના મોજાની અસર સામાન્ય રહેશે નહીં. હવામાન વિભાગ (IMD) એ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે, માર્ચ મહિનાથી તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે. મે મહિના સુધીમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસોનો અનુભવ થશે. આનો અર્થ એ છે કે, ગરમીનો સમયગાળો લાંબો ચાલશે અને ઓછી રાહત આપશે. નિષ્ણાતોના મતે આ સમયગાળામાં તાપમાન અચાનક ઝડપથી વધશે અને આ વખતની ગરમી ઘણા જૂના રેકોર્ડ તોડી શકે છે.
હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોથાથી સાતમાં દિવસ એટલે કે ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન માટે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે પાંચ સે.નો વધારો થશે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ન્યૂનતમ તાપમાન માટે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ° સે. વધારો થશે. ત્યારબાદ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માના જણાવ્યા પ્રમાણે, આ સિઝનમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધારે રહેવાની આશા છે. માર્ચ મહિનાની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી છે. જ્યારે કચ્છમાં સામાન્યથી વધારે તાપમાન રહેવાની શક્યતા છે. માર્ચમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨૫ વર્ષના તાપમાનના વલણને ધ્યાનમાં લેતા આ વર્ષની ગરમીના મોજાની પેટર્ન અસામાન્ય લાગે છે. ફેબ્રુઆરીમાં જ તાપમાન સરેરાશ કરતા વધારે નોંધાયો હતો અને ઠંડી લગભગ ગેરહાજર હતી. આ સૂચવે છે કે ગરમીનું મોજું વહેલા અને વધુ તીવ્ર બનશે. માર્ચ અને મે દરમિયાન ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનું મોજું ખાસ કરીને તીવ્ર રહેશે. આ ઋતુ વૃદ્ધો, બાળકો, બહાર કામ કરતા કામદારો અને બીમાર લોકો માટે સૌથી પડકારજનક સાબિત થઈ શકે છે.
IMD મુજબ, ગુજરાત સહિત પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરી કર્ણાટક અને ઉત્તરી તમિલનાડુમાં સામાન્ય કરતાં વધુ ગરમીના દિવસોનો અનુભવ થઈ શકે છે. આ વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહી શકે છે અને ગરમ પવનો જાહેર અગવડતાને વધારી શકે છે.




