Ukraine Russia War : સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોકમાં 15-16 જૂનના રોજ યોજાનારી યુક્રેન પર શાંતિ પરિષદમાં ભાગ લેવા માટે 90 દેશોના નેતાઓ અને સંગઠનો સંમત થયા છે. પરંતુ આ બેઠકમાં રશિયાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સાથે અસંમત થતા ચીને કોન્ફરન્સની સફળતા પર સવાલો ઉઠાવ્યા છે અને કોન્ફરન્સમાં ભાગ લેવાની જાહેરાત કરી નથી.
ભારતે પણ હજુ સુધી કોન્ફરન્સમાં તેની સહભાગિતાની ઔપચારિક જાહેરાત કરી નથી. જો કે સ્વિસ સરકારે કોન્ફરન્સ માટે 160 દેશોના નેતાઓને આમંત્રિત કર્યા છે. રશિયાએ આ કોન્ફરન્સને પશ્ચિમી દેશોની નવી પ્રચાર યુક્તિ ગણાવીને નકારી કાઢી છે.
ઇટાલીમાં યોજાનારી G7 સમિટ બાદ શાંતિ પરિષદ યોજાશે
ગુરુવારથી ઇટાલીમાં યોજાનારી G7 સમિટ પછી શાંતિ પરિષદ થશે. શાંતિ પરિષદમાં અમેરિકા વતી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ભાગ લેશે. દરમિયાન કોન્ફરન્સ પહેલા સ્વિત્ઝર્લેન્ડના સરકારી વિભાગો અને સંસ્થાઓ પર સાયબર હુમલામાં અચાનક વધારો થયો છે.
સ્વિટ્ઝર્લેન્ડે રશિયન રાજદૂતને બોલાવ્યા
આ માહિતી સ્વિસ પ્રેસિડેન્ટ વિઓલા એમ્હાર્ડે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. કહ્યું કે રશિયન રાજદૂતને રશિયન મીડિયામાં સ્વિટ્ઝર્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલા દુષ્પ્રચાર પર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.