
બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં વિવાદમા. ફિઝિયોથેરાપી વિભાગમાં ફી ઉઘરાવ્યાં બાદ પ્રવેશ રદ કરાતાં ભારે વિરોધ. વિદ્યાર્થીઓએ આ મામલે પોતાને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. સુરતના બારડોલી ખાતે આવેલી ઉકા તરસડિયા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. મોડી રાત્રે યુનિવર્સિટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે. આ વિરોધનું મુખ્ય કારણ ફિઝિયોથેરાપી વિભાગમાં ફી લીધા બાદ તેમના પ્રવેશ રદ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના મતે, યુનિવર્સિટી દ્વારા મર્યાદિત બેઠકો ભરાઈ ગઈ હોવા છતાં પ્રવેશ આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ ફી પણ વસૂલવામાં આવી હતી. પ્રવેશ આપ્યા બાદ અચાનક એડમિશન રદ કરાતા વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ આ મામલે પોતાને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું. તેમની મુખ્ય માંગણી એ હતી કે તેમને આ જ યુનિવર્સિટીના ફિઝિયોથેરાપી વિભાગમાં જ પ્રવેશ આપવામાં આવે, અન્ય કોઈ વિભાગમાં નહીં.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ તેમની પાસેથી સંપૂર્ણ ફી વસૂલી હતી, જેમાં હોસ્ટેલ ફી અને પ્રથમ સેમિસ્ટરની ફીનો પણ સમાવેશ થાય છે. આ ફી વસૂલવા માટે તેમને પૂરતો સમય પણ આપવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે યુનિવર્સિટીને ૧૧૮ બેઠકોની મર્યાદા વિશે અગાઉથી જાણ હોવા છતાં, પ્રવેશ વખતે તેમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
એક વાલીએ જણાવ્યું હતું કે તેમની પુત્રીનો પ્રવેશ મેનેજમેન્ટ કોટા હેઠળ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમને સરકારી કોટામાં પ્રવેશ નહીં મળે તેમ જણાવાયું હતું. તેમણે તાત્કાલિક ફી ભરી દીધી હતી, જેમાં ૭૫,૦૦૦ રૂપિયા હોસ્ટેલના અને ૬૫,૦૦૦ રૂપિયા અન્ય ફી તરીકે ભરવામાં આવ્યા હતા. પ્રવેશ કન્ફર્મ થયા બાદ તેઓ નિશ્ચિંત બન્યા હતા અને અન્ય કોલેજાેમાંથી આવતા ફોન પણ નકાર્યા હતા. હોસ્ટેલ શરૂ થયા બાદ કોલેજ ૨૨ તારીખથી શરૂ થશે તેવો ફોન આવ્યો હતો, પરંતુ હવે પ્રવેશ રદ થવાથી તેઓ ચિંતિત છે. યુનિવર્સિટીના એક પ્રતિનિધિ જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું કે જેમણે એક મહિના સુધી અભ્યાસ કર્યો છે તે છોકરીઓનું શું, ત્યારે તેમણે પોતાને આ માટે ઓથોરાઇઝ્ડ પર્સન ન હોવાનું કહી જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો હતો.
આ પરિસ્થિતિને પગલે ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ ન્યાયની માંગ સાથે યુનિવર્સિટી તંત્ર સામે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, જે પ્રવેશ રદ થવાને કારણે થયેલી અન્યાયી કાર્યવાહી સામે તેમના રોષને પ્રતિબિંબિત કરે છે.
