Japan : જાપાને ઉત્તર કોરિયાને જડબાતોડ જવાબ આપતા પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ પહેલા અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસના જવાબમાં ઉત્તર કોરિયાએ 2 બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. હવે જાપાને અર્થ મોનિટરિંગ સેટેલાઇટ છોડીને માત્ર કિમ જોંગ જ નહીં પરંતુ ચીનને પણ ચિંતામાં મૂકી દીધું છે. જાપાને સોમવારે તેનું મહત્વાકાંક્ષી નવું H3 રોકેટ લોન્ચ કર્યું અને આપત્તિ પ્રતિભાવ અને સુરક્ષા માટે અદ્યતન પૃથ્વી અવલોકન ઉપગ્રહને અવકાશમાં તૈનાત કર્યો.
જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ જણાવ્યું હતું કે એચ3 નંબર 3 રોકેટ દક્ષિણ-પશ્ચિમ જાપાનના એક ટાપુ પરના તાનેગાશિમા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી અને લગભગ 16 મિનિટ પછી યોજના મુજબ તેનું પેલોડ (ઉપગ્રહ) છોડ્યું હતું. એડવાન્સ્ડ લેન્ડ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, અથવા ALOS-4, પૃથ્વીનું અવલોકન કરવાનું અને આપત્તિ પ્રતિભાવ અને મેપિંગ માટે ડેટા એકત્રિત કરવાનું કામ સોંપાયેલ છે. તે મિસાઈલ પ્રક્ષેપણ જેવી સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ સક્ષમ છે.
લોંચમાં વિલંબનું કારણ ખરાબ હવામાન બન્યું
અગાઉ આ પ્રક્ષેપણ રવિવારે થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમાં વિલંબ થયો હતો. ALOS-4 હાલના ALOS-2 ને બદલશે અને વિશાળ વિસ્તારનું નિરીક્ષણ કરી શકશે. જાપાન થોડા સમય માટે બંને ઉપગ્રહોનું સંચાલન કરશે. જાપાન તેના અવકાશ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થિર, વ્યાપારી રીતે સ્પર્ધાત્મક અવકાશ પરિવહન ક્ષમતાને મહત્વપૂર્ણ માને છે. હવે જાપાન પણ આ સેટેલાઇટ દ્વારા ઉત્તર કોરિયા અને ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકશે.