IND vs ZIM: T20 વર્લ્ડ કપ 2024 પૂરા થયા બાદ હવે બધાની નજર ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની T20 સિરીઝ પર છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 6 જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે. સિનિયર ભારતીય ખેલાડીઓને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. સુકાનીપદની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે. આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી છે.
ઝિમ્બાબ્વે સામે એક પણ મેચ રમ્યો નથી
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ અને બીજી T20 મેચ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી એક પણ ખેલાડીએ ઝિમ્બાબ્વે સામે T20I મેચ રમી નથી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની જે પણ પ્લેઈંગ ઈલેવન આજે યોજાનારી મેચ માટે મેદાનમાં ઉતરશે. તે ઝિમ્બાબ્વે સામે T20Iમાં ડેબ્યૂ કરશે અને પ્રથમ મેચ રમશે. વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયાનો સૌથી અનુભવી ખેલાડી છે, જેણે 43 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ અને બીજી ટી-20 માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટકીપર) , હર્ષિત રાણા.
બંને ટીમોનો આવો રેકોર્ડ રહ્યો છે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 6માં જીત મેળવી છે. જ્યારે ઝિમ્બાબ્વે માત્ર બે મેચ જીતી શકી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2022માં રમાઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમ 71 રને જીતી ગઈ હતી.
શુભમન ગિલ કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે
ભારતીય ટીમે હાલમાં જ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે, જેઓ T20 વર્લ્ડ કપ ટાઇટલ વિજેતા ટીમનો ભાગ હતા, તેઓ ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમ સાથે જોડાશે. છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાએ T20I ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં યુવા શુભમન ગીલ પર પોતાને કેપ્ટન તરીકે સાબિત કરવાની મોટી જવાબદારી હશે. તેણે આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી નથી.