Pooja Khedkar : અનેક વિવાદોમાં ઘેરાયેલી IAS ટ્રેઇની પૂજા ખેડકરની મુશ્કેલીઓ વધી રહી છે. હવે કેન્દ્ર સરકારે પુણે પોલીસ પાસેથી તેના માતા-પિતાના વૈવાહિક જીવન અંગે માહિતી માંગી છે. પુણે પોલીસના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે પુણે પોલીસને પૂજા ખેડકરના માતા-પિતાની વૈવાહિક સ્થિતિ વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. આરોપો સામે આવ્યા છે કે પૂજાએ UPSC પરીક્ષામાં અધર બેકવર્ડ ક્લાસ (OBC) નોન-ક્રિમી લેયર ક્વોટાનો લાભ મેળવ્યો હતો અને ખોટો દાવો કરીને તેના માતાપિતા મનોરમા અને પિતા દિલીપ અલગ થઈ ગયા હતા.
પૂજાનો દાવો, માતા-પિતા અલગ થઈ ગયા હતા
નિયમો અનુસાર જે લોકોના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી છે તેઓ જ OBC નોન-ક્રિમી લેયરની શ્રેણીમાં આવે છે. પૂજાએ દાવો કર્યો હતો કે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા અને તે તેની માતા સાથે રહેતી હતી, જ્યારે તેના પિતા સરકારી નોકરીમાં ક્લાસ વન ઓફિસર હતા. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે પુણે પોલીસને પૂજા ખેડકરના માતા-પિતાના વૈવાહિક જીવન અને સ્થિતિ અંગે રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.
મદદ કરનાર તબીબોની તપાસના આદેશ
તે જ સમયે, કથિત નકલી વિકલાંગતા પ્રમાણપત્ર મેળવવામાં પૂજા ખેડકરની મદદ કરનારા ડોકટરો અને સહાયકો સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિકલાંગ કલ્યાણ વિભાગના કમિશનરે YCM હોસ્પિટલના ડૉક્ટરો સહિત પૂજાને મદદ કરનાર તમામની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. પિંપરી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ વિભાગને પૂજા ખેડકરને સર્ટિફિકેટ આપનારી કમિટી સામે કાર્યવાહી કરવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
YCM હોસ્પિટલે પૂજા ખેડકરને વિકલાંગતાનું પ્રમાણપત્ર જારી કર્યું હતું, જે જણાવે છે કે પૂજાને તેના ડાબા ઘૂંટણમાં 7% કાયમી અપંગતા છે. જો તપાસમાં દોષિત ઠરશે તો ડોક્ટર અને વિકલાંગતા પ્રમાણપત્ર આપનાર તમામ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવશે. તપાસનો સંપૂર્ણ અહેવાલ કલેક્ટર કચેરીને સુપરત કરવામાં આવશે.