Ishan Kishan: ઈશાન કિશને વર્ષ 2023માં ભારતીય ટીમ માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને વારંવાર ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું પરંતુ તે ના પાડતો રહ્યો. ડોમેસ્ટિક ક્રિકેટ રમવાને બદલે તેણે સીધા IPLમાં રમવાનું પસંદ કર્યું. બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. કદાચ ઈશાનનો મૂડ હવે બદલાઈ ગયો છે અને તે ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કરવા માટે તૈયાર છે. તેને ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા 25 પ્રી-સીઝન સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરશે
ક્રિકબઝના અહેવાલ મુજબ, 26 વર્ષીય ઇશાન કિશન આગામી સ્થાનિક સિઝન માટે ઝારખંડ રાજ્ય તરફથી રમવા માટે સંમત થયો છે. તેને રાજ્યની કેપ્ટનશીપ પણ મળી શકે છે. ઈશાને તેની ઉપલબ્ધતા વિશે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે. તેણે અંડર-19માં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈશાનને તેના શુભેચ્છકોએ કાઉન્સેલિંગ કર્યું છે અને પસંદગીકારોએ તેની સાથે વાત કરી છે. તેને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું
ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેણે બીસીસીઆઈ પાસેથી બ્રેક માંગ્યો હતો. આ પછી કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે તેણે પુનરાગમન કરવા માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે. ત્યારે રણજી ટ્રોફી ચાલી રહી હતી. પરંતુ તે ઝારખંડની ટીમ તરફથી રમવા માટે તૈયાર નહોતો. વાસ્તવમાં, તે બરોડામાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો.
ઈશાન કિશને વર્ષ 2021માં ભારત માટે ODI અને T20માં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ભારત માટે 27 ODI મેચોમાં 933 રન અને 32 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 796 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે બેવડી સદી પણ છે. આ સિવાય તેણે ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ મેચ પણ રમી છે.