બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુ સમુદાય પર કટ્ટરપંથીઓના હુમલા તેજ થયા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા અને ધમકીઓનો મુદ્દો સતત અને મજબૂત રીતે ઉઠાવ્યો છે. મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે તમામ લઘુમતીઓની સુરક્ષાની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. અમે ઉગ્રવાદી રેટરિક, હિંસા અને ઉશ્કેરાટની વધતી ઘટનાઓથી ચિંતિત છીએ.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે મીડિયા દ્વારા આ ઘટનાક્રમને માત્ર અતિશયોક્તિપૂર્ણ ગણી શકાય નહીં. વાસ્તવમાં, બાંગ્લાદેશ સરકારે ભારતીય મીડિયા પર હિન્દુઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને અતિશયોક્તિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
મંત્રાલયે કહ્યું કે અમે ફરી એકવાર બાંગ્લાદેશને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાનું આહ્વાન કરીએ છીએ. સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી વ્યક્તિઓ વિરુદ્ધ કેસનો સંબંધ છે, તો અમને જાણવા મળ્યું છે કે કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે.