
જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી તેઓને અમદાવાદ ખાતે આવકારવાના છે ત્યારે ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે તેવી માંગણી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. સમગ્ર હકીકત એવી છે કે, ગુજરાતનો એક જૈન પરિવાર કે જે જર્મની ખાતે કામ અર્થે રહે છે તેમની દીકરી અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની સરકારે ફોસ્ટર કેર (FOSTER CARE) સરકારી પાલક દેખભાળ સેન્ટરમાં રાખી દીધેલ છે. આજે ૪ વર્ષથી આ દીકરી માતાપિતાથી વિખુટી પડીને જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે. હકીકત એમ છે કે, જયારે અરીહા શાહ માત્ર ૯ મહિનાની હતી ત્યારે તેની માતા તેને ઓઈલનો મસાજ આપીને નવડાવી રહ્યા હતા ત્યારે દીકરી અકસ્માતે હાથમાંથી લપસી પડતા પ્લાસ્ટિકના ટબનો એક કિનારો દીકરીના બન્ને સાથળની વચ્ચે વાગ્યો હતો અને તેને થોડી ઈજા થઈ હતી. તુરંત જ દીકરીના માતાપિતા દીકરીને જર્મનીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું કે, આ ઈજા અંગત પાર્ટમાં છે માટે પોલીસ કેસ કરવો પડશે કારણ કે સેકસ્યુઅલ એસોલ્ટ પણ હોઈ શકે.
માતાપિતાએ પોલીસ તપાસનો સામનો કર્યો અને પોલીસ દ્વારા ક્લીનચીટ મળી હતી આમ છતાં જર્મનીની સરકારે કહ્યું કે તમને બાળકને સાચવતા આવડતું નથી માટે આ બાળકને સરકારી પાલક સેન્ટરમાં રાખી દેવાનું રહેશે. આજે ચાર વર્ષથી આ બાળકી માતાપિતાની છાયા વગર જર્મન સરકારના પાલક સેન્ટરમાં છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે હકીકતો જણાવતા કહ્યું છે કે, આ સમગ્ર મુદ્દો મેં સંસદ (રાજ્યસભા) માં એક વર્ષ પહેલા ઉઠાવેલો હતો, પરંતુ આમ છતાં અરીહા શાહને ન્યાય નથી મળ્યો. હવે જયારે આપણા વડાપ્રધાનશ્રીએ જર્મનીના ચાન્સેલરને અમદાવાદ આમંત્રિત કર્યા છે ત્યારે અનુરોધ છે કે તેઓ અરીહા શાહનો મુદ્દો ઉઠાવે અને આપણી ભારતીય નાગરિક અરીહા શાહને જર્મનીના પાલક સેન્ટરમાંથી મુક્ત કરાવી તેના માતાપિતાને સુપ્રત કરાવે. કદાચ જરૂરી લાગે તો તેને જર્મનીનાં પાલક સેન્ટરમાં નહી પરંતુ આપણા દેશના કોઈપણ પાલક સેન્ટર અથવા જૈન સમાજના શ્રેષ્ઠીઓના પાકલ પળાની નીચે રાખવામાં આવે. જૈન સમાજમાં કાંદા, લસણ કે કંદમૂળ ખવાતા નથી તેવા સમાજની દીકરી જર્મનીના પાલક સેન્ટરમાં પોતાના સંસ્કાર, ધર્મ અને પરંપરાને કેમ જાળવી શકે ? ચાર વર્ષ દીકરીને થઈ ગયા છે અને હવે પછી જો એ દીકરી જૈન સમાજના સંસ્કારો, ગુજરાતી ભાષા નહીં મેળવી શકે અને જર્મની બોલતી અને જર્મનીના સંસ્કારને સ્વીકારતી થઈ જશે તો પછી ભવિષ્ય માતાપિતા અને બાળકી માટે અંધકારમય બની જશે. UN અન્વેશનમાં સ્પષ્ટ નક્કી થયું છે કે દુનિયાના કોઈપણ બાળકને પોતાની સંસ્કૃતિ અને પોતાના સંસ્કાર જાળવી રાખવાનો સંપૂર્ણ અધિકાર છે. જર્મની સરકારની વધારે પડતી નફફટાઈ તો એ છે કે એક તો દીકરીને જબરજસ્તીથી પાલક સેન્ટરમાં રાખી છે અને ઉપરાંત ૨૦૨૪ સુધીનું પાલક સેન્ટરનું ખર્ચનું ૨૪ લાખ રૂપિયાનું બીલ બાળકીના માતાપિતાને આપ્યું છે. દર મહીને ૫૫ હજાર રૂપિયા પાલક સેન્ટરના ખર્ચના અને આ ઉપરાંત બીજા ખર્ચ ઉમેરીને પરિવાર ઉપર આર્થિક બોજો નાંખવામાં આવી રહ્યો છે. આવી ક્રુરતા આપણા નાગરિક અને આપણી ગુજરાતી દીકરી અને પરિવાર સાથે થતી હોય ત્યારે ચાન્સેલર માત્ર આપણી મહેમાન નવાજી માણીને જાય એ યોગ્ય નથી. જર્મની માંથી આપણી દીકરીને મુક્ત કરાવીને પરિવારને સોંપવાનો સ્પષ્ટ નિર્ણય વડાપ્રધાનશ્રી કરાવે તેવો આગ્રહ છે.




