
ચીનની સૌથી મોટી બોટલ્ડ વોટર કંપની નોંગફુ સ્પ્રિંગના સ્થાપક ઝોંગ શાનશાન ચીનના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે એટલી બધી સંપત્તિ છે કે તેઓ એક સમયે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કરતા પણ વધુ ધનવાન હતા. તે વાન્ટાઈ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝમાં પણ હિસ્સો ધરાવે છે, જે એક ફાર્મા કંપની છે જે શાનશાન રસીઓ અને હેપેટાઇટિસ ટેસ્ટ કીટ બનાવે છે. તેઓ પહેલી વાર 2021 માં ચર્ચામાં આવ્યા, જ્યારે તેઓ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા.
ઝોંગ શાનશાન કોણ છે?
1954માં ચીનના પૂર્વ ભાગમાં આવેલા શહેર હાંગઝોઉમાં જન્મેલા ઝોંગ શાનશાને ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન શાળા છોડી દીધી અને બાંધકામમાં કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૭૦ના દાયકામાં, શાનશાને કોલેજમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ બે વાર પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગયો. આ પછી તેણે ઓપન યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડ્યો.
બાદમાં તેમણે પત્રકાર તરીકે પણ કામ કર્યું. તેમણે 1988માં નોકરી છોડતા પહેલા પાંચ વર્ષ સુધી ઝેજિયાંગ ડેઇલી માટે રિપોર્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ પછી, તેણે ચીનના હૈનાન ટાપુ પર મશરૂમની ખેતીમાં હાથ અજમાવ્યો અને બાદમાં ઝીંગા અને કાચબા પણ વેચ્યા. જ્યારે તેમને આ નોકરીઓમાં સફળતા ન મળી, ત્યારે તેમણે વહાહા બેવરેજીસ કંપનીમાં સેલ્સ એજન્ટ તરીકે કામ કર્યું. પછી હેલ્થકેર સપ્લિમેન્ટ્સ વેચવાનું શરૂ કર્યું.
1993માં ભાગ્ય બદલાયું
તેમનો મોટો બ્રેક 1993માં આવ્યો, જ્યારે તેમણે હેલ્થકેર બ્રાન્ડ યાંગશેંગટાંગની સ્થાપના કરી અને સપ્ટેમ્બર 1996માં બેવરેજ કંપની નોંગફુ સ્પ્રિંગની સ્થાપના કરી. સપ્ટેમ્બર 2020 માં, નોંગફુ સ્પ્રિંગ એક જાહેરમાં વેપાર થતી કંપની બની અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ પર વેપાર શરૂ કર્યો, જેના કારણે શાનશાનની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો. ફોર્બ્સની રીઅલ ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, 16 માર્ચ, 2025 સુધીમાં ઝોંગ શાનશાનની કુલ સંપત્તિ $58.8 બિલિયન હતી. આ સાથે, તે ચીનના પ્રથમ સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 26મા સૌથી ધનિક વ્યક્તિ છે.
