
વિશ્વમાં ૨૮.૮ ટકા ખ્રિસ્તીઓ, ૨૫.૬ ટકા મુસ્લિમ અને ૧૪.૯ ટકા હિન્દુઓની વસ્તી વિશ્વભરમાં ખ્રિસ્તીઓની વસ્તી ઘટી રહી છે: રિપોર્ટ
‘પ્યુ ટેમ્પલટન ગ્લોબલ રિલીજિયસ ફ્યુચર્સ પ્રોજેક્ટ’ના નવા રિપોર્ટ અનુસાર, ખ્રિસ્તી ધર્મ હજુ પણ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે વિશ્વભરમાં ખ્રિસ્તીઓની વસ્તી સતત ઘટી રહી હોવાનો ખુલાસો તાજેતરના એક અહેવાલમાં થયો છે. ‘પ્યુ ટેમ્પલટન ગ્લોબલ રિલીજિયસ ફ્યુચર્સ પ્રોજેક્ટ’ના નવા રિપોર્ટ અનુસાર, ખ્રિસ્તી ધર્મ હજુ પણ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે, પરંતુ વૈશ્વિક સ્તરે તેની હિસ્સેદારી ઘટી રહી છે. આ રિપોર્ટ મુજબ, ખ્રિસ્તી ધર્મનું કેન્દ્ર હવે યુરોપ અને અમેરિકાથી હટીને ઉપ-સહારા આફ્રિકા તરફ વધી રહ્યું છે. આ રિપોર્ટ ૨૦૧ દેશો અને પ્રદેશોમાં ૨,૭૦૦ થી વધુ વસ્તી ગણતરી અને સર્વેક્ષણો પર આધારિત છે. આંકડાઓની વાત કરીએ તો, ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં અંદાજે ૨.૩ અબજ લોકો, એટલે કે કુલ વસ્તીના ૨૮.૮ ટકા લોકો પોતાને ખ્રિસ્તી માનતા હતા. અગાઉ ૨૦૧૦ થી ૨૦૨૦ વચ્ચે ખ્રિસ્તીઓની સંખ્યા ૨.૧ અબજથી વધીને ૨.૩ અબજ થઈ હતી, જે ૬ ટકાનો વધારો દર્શાવે છે. જાેકે, આ જ સમયગાળામાં વૈશ્વિક વસ્તી અને બિન-ખ્રિસ્તીઓની સંખ્યામાં ૧૫ ટકાનો વધારો થવાને કારણે, કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓનો હિસ્સો ૩૧ ટકાથી ઘટીને ૨૮.૮ ટકા રહી ગયો છે.રિપોર્ટમાં ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી ઘટવા પાછળ ઘટતો જન્મદર અને પુખ્ત વયે ધર્મ પરિવર્તન કરવાની વૃત્તિને મુખ્ય કારણો ગણાવ્યા છે. રસપ્રદ વાત એ પણ છે કે આમાંના મોટાભાગના લોકોએ અન્ય કોઈ ધર્મ અપનાવ્યો નથી, પરંતુ તેઓ પોતાને તમામ ધર્માેથી અલગ કરી નાસ્તિક કે ધર્મ વગર જીવી રહ્યા છે.ભૌગોલિક ફેરફારની વાત કરીએ તો, યુરોપમાં ખ્રિસ્તીઓની વસ્તી ઘટીને ૫૦ કરોડ રહી ગઈ છે, જે ૯ ટકાનો ઘટાડો છે.
ઉત્તર અમેરિકામાં પણ આ સંખ્યા ઘટીને લગભગ ૨૩ કરોડ થઈ ગઈ છે. તેનાથી વિપરીત, ઉપ-સહારા આફ્રિકામાં ખ્રિસ્તીઓની સંખ્યા ૩૧ ટકા વધીને ૬૯ કરોડે પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ૩૧ ટકા ખ્રિસ્તીઓ આફ્રિકામાં, ૨૨ ટકા યુરોપમાં, ૨૪ ટકા લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં અને ૧૦ ટકા ઉત્તર અમેરિકામાં રહેતા હતા.વર્ષ ૨૦૨૦ના વૈશ્વિક ધાર્મિક પરિદૃશ્ય પર નજર કરીએ તો, રિપોર્ટ અનુસાર વિશ્વમાં અત્યારે ૨૮.૮ ટકા ખ્રિસ્તીઓ છે, જ્યારે વિશ્વની ૨૫.૬ ટકા વસ્તી મુસ્લિમ છે. આ પછી ૨૪.૨ ટકા એવા લોકો છે જેઓ પોતાને કોઈ ધર્મ સાથે જાેડાયેલા નથી ગણાવતા. હિન્દુઓની વૈશ્વિક વસ્તીમાં હિસ્સેદારી ૧૪.૯ ટકા છે અને બૌદ્ધોની વસ્તી ૪.૧ ટકા છે. આ રીતે વિશ્વના ૭૫.૮ ટકા લોકોએ પોતાને કોઈને કોઈ ધર્મ સાથે જાેડાયેલા હોવાનું જણાવ્યું છે, જ્યારે ૨૪.૨ ટકા લોકો પોતાને ધર્મથી અલગ માને છે.




