
વેપાર યુદ્ધ શરૂ કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના નિર્ણયનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ ટેરિફને કારણે અમેરિકા દરરોજ અબજો ડોલરની કમાણી કરી રહ્યું છે. તાજેતરમાં, અમેરિકાએ ચીન સામે ૧૦૪ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે મંગળવાર મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે.
ટ્રમ્પે ટેરિફની અસરને “વિસ્ફોટક” ગણાવી છે. મંગળવારે, તેઓ વ્હાઇટ હાઉસમાં સાંસદો અને મંત્રીઓ સહિત ઘણા લોકો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન ઉદ્યોગને પુનર્જીવિત કરવાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આ ટેરિફ જરૂરી છે. ટ્રમ્પે પહેલાથી જ 60 દેશો સામે ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. “એટલા બધા પૈસા આવી રહ્યા છે જે આપણે પહેલાં ક્યારેય જોયા નથી,” તેમણે કહ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ કહે છે કે ટેરિફની મદદથી દરરોજ 2 બિલિયન ડોલરની કમાણી થઈ રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે કયા ટેરિફથી આવકનો હિસ્સો આટલો વધારવામાં મદદ મળી છે.
ચીન પર ૧૦૪ ટકા
અમેરિકાએ મંગળવારે કહ્યું કે તે ચીનથી આયાત થતી વસ્તુઓ પર વધુ 50 ટકા પ્રતિશોધાત્મક ટેરિફ લાદશે, જેનાથી ચીનથી અમેરિકામાં આવતા માલ પરનો કુલ ટેરિફ 104 ટકા થશે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ચીન પર ૧૦૪ ટકા ટેરિફ વ્યવસ્થા મંગળવારે મધ્યરાત્રિ પછી અમલમાં આવશે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકન કામદારો અને ઉદ્યોગોના રક્ષણ માટે લેવામાં આવેલા પગલાંની અસર સમગ્ર વિશ્વમાં થઈ રહી છે અને લગભગ 70 દેશોએ અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો કરવા સંમતિ આપી છે. મહિલા પ્રવક્તાએ કહ્યું કે વિશ્વભરના દેશોએ લાંબા સમયથી અમેરિકન કામદારોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે, જે ચાલુ રહેવા દેવામાં આવશે નહીં.
