
અબુ ધાબીના રેતીના રણમાં રહસ્યમય ખ્રિસ્તી ધર્મનો ક્રોસ મળ્યોઅત્યાર સુધીના આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મ મુખ્યત્વે લેવન્ટ, મેસોપોટેમિયા અને યુરોપ સુધી મર્યાદિત માનવામાં આવતો હતા
રેતીના રણમાં પુરાતત્વવિદોને ૧૪૦૦ વર્ષ જૂનો એક અનોખો શિલાલેખ મળ્યો છે. તેમને અબુ ધાબીના રેતીના રણમાં આ રહસ્યમય ખ્રિસ્તી ધર્મનો ક્રોસ મળ્યો છે, આ શિલાલેખ મળતાની સાથે જ સનસનાટી મચી ગઈ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ખ્રિસ્તી ધર્મ સાથે જાેડાયેલું એક રહસ્ય ખુલ્યું છે.
પુરાતત્વવિદોએ તાજેતરમાં અબુ ધાબીમાં સર બાની યાસ ટાપુ પર એક અનોખો ૧૪૦૦ વર્ષ જૂનો શિલાલેખ શોધી કાઢ્યો છે, જેણે પૂર્વ તરફ ખ્રિસ્તી ધર્મના પ્રસારની સમજ બદલી નાખી છે. આ કલાકૃતિ પર અંકિત ક્રોસ એક પગથિયાંવાળા પિરામિડ જેવો દેખાય છે, જે ગોલગોથાની ઝલક આપે છે, તે જ સ્થાન જ્યાં ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર ચડાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. શિલાલેખના પાયામાંથી નીકળતી વનસ્પતિનો આકાર તેને વધુ ખાસ બનાવે છે. આ અવશેષ ચર્ચ અને મઠના ખંડેરોમાં મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે સાતમી અને આઠમી સદી દરમિયાન આ ટાપુ પર એક સમૃદ્ધ ખ્રિસ્તી સમુદાય અસ્તિત્વમાં હતો. અત્યાર સુધીના આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મ મુખ્યત્વે લેવન્ટ, મેસોપોટેમિયા અને યુરોપ સુધી મર્યાદિત માનવામાં આવતો હતો. આવી સ્થિતિમાં અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય અખાતમાં તેની સમૃદ્ધ હાજરીના પુરાવા શોધવા ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તે સમયે આરબ પ્રદેશ ધાર્મિક ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. ઇસ્લામ ઝડપથી ઉભરી રહ્યો હતો, પ્રાચીન મૂર્તિપૂજક પરંપરાઓ જીવંત હતી અને ખ્રિસ્તી ધર્મ ધીમી ગતિએ પતન પામતો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ આ શોધ આ ખ્યાલને પડકારે છે અને દર્શાવે છે કે તે સમયે અહીં ખ્રિસ્તી સમુદાય ફક્ત જીવંત જ નહોતો, પરંતુ સમૃદ્ધ પણ હતો.સ્થળના મુખ્ય પુરાતત્વવિદ્ મારિયા ગાજેવસ્કાએ કહ્યું, “ક્રોસનું દરેક તત્વ સ્થાનિક સાંસ્કૃતિક પ્રતીકોને પ્રતિબિંબિત કરે છે. આ દર્શાવે છે કે આ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ ફક્ત હાજર જ નહોતો પરંતુ તે ખીલી રહ્યો હતો અને સ્થાનિક પરંપરાઓ સાથે સહઅસ્તિત્વ ધરાવતો હતો.”અબુ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગના અધ્યક્ષ મોહમ્મદ ખલીફા અલ મુબારકે આ શોધને “સહઅસ્તિત્વ અને સાંસ્કૃતિક ખુલ્લાપણાના સ્થાયી મૂલ્યોનો પુરાવો” ગણાવ્યો. તેમણે કહ્યું કે આ શોધ દર્શાવે છે કે આ પ્રદેશમાં ધાર્મિક વિવિધતા અને શાંતિની લાંબી પરંપરા છે.
આ સિઝનના ખોદકામમાં માટીકામ, કાચની કલાકૃતિઓ અને એક નાની લીલી બોટલ પણ મળી આવી છે, જેમાં તેલ અથવા ગુલાબજળ હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે તે ચર્ચની દિવાલ પર એક પવિત્ર વસ્તુ તરીકે મૂકવામાં આવ્યું હશે, જેની સામે ભક્તોએ પ્રાર્થના કરી હશે. સ્થાનિક પુરાતત્વવિદ્ હાગર અલ મેનહાલીએ જણાવ્યું હતું કે શિલાલેખ ઊંધો પડેલો હતો અને તેની પાછળ સ્પષ્ટ ફિંગરપ્રિન્ટ દેખાઈ રહી હતી. તેમનું અનુમાન છે કે તે તેને બનાવનાર કારીગરનું નિશાન હોઈ શકે છે.પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે વરિષ્ઠ સાધુઓ નજીકના આંગણા જેવી ઇમારતોમાં રહેતા હતા, જેઓ પ્રાર્થના માટે ચર્ચમાં જતા હતા અથવા ધ્યાન માટે આ સ્થાનોનો ઉપયોગ કરતા હતા. ચૂનાના પથ્થર અને પરવાળાથી બનેલી આ ઇમારતોમાં પાણી સંગ્રહની વ્યવસ્થા પણ હતી, જે દર્શાવે છે કે જીવન ફક્ત સખત તપસ્યા પર આધારિત નહોતું, પરંતુ આરામદાયક પણ હતું. આ સમુદાય “પૂર્વના ચર્ચ” સાથે સંકળાયેલો હતો, જે મધ્ય પૂર્વથી ચીન સુધી ફેલાયો હતો. સર બાની યાસની આ શોધ અરબી અખાતથી ભારત અને એશિયામાં ખ્રિસ્તી ધર્મ કેવી રીતે ફેલાયો તેની ઝલક આપે છે. રસપ્રદ વાત એ છે કે સર બાની યાસ પર ચર્ચ અને મઠના અવશેષો સૌપ્રથમ ૧૯૯૦ ના દાયકામાં મળી આવ્યા હતા.
તે જ સમયે, ૨૦૨૨ માં, ઉમ્મ અલ ક્વાઇન ટાપુ પર આ ચર્ચ સાથે સંબંધિત બીજાે મઠ મળી આવ્યો હતો. કુવૈત, ઈરાન અને સાઉદી અરેબિયામાં પણ સમાન સ્થળો મળી આવ્યા છે. હજુ પણ રહસ્ય એ છે કે સર બાની યાસનો આ સમુદાય ધીમે ધીમે કેમ અદૃશ્ય થઈ ગયો. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના ઉદય પહેલા જ ચર્ચ આંતરિક વિભાજન સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. જુદા જુદા જૂથો સ્વતંત્રતા ઇચ્છતા હતા, જેના કારણે અસંતોષ વધતો ગયો. આમ છતાં, ઐતિહાસિક દસ્તાવેજાે દર્શાવે છે કે શરૂઆતના ખ્રિસ્તી અને ઇસ્લામિક સમુદાયો શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ ધરાવતા હતા અને વેપાર સંબંધો ધરાવતા હતા. પુરાતત્વવિદો માને છે કે લોકો કોઈ મોટી આપત્તિ કે સંઘર્ષના પરિણામે નહીં, પણ સ્વેચ્છાએ ગયા હશે. અવશેષોની સ્વચ્છતા અને માળખાકીય સ્થિતિ સૂચવે છે કે ત્યાગ અચાનક નહોતો પણ આયોજનબદ્ધ હતો.
