
LPG અછતના કારણે.મુંબઈ, બેંગાલુરૂ અને ચેન્નાઈ સહિતના શહેરોના રેસ્ટોરન્ટ પર સંકટ.૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં અંદાજે રૂપિયા ૧૧૫ અને ઘરેલું સિલિન્ડરમાં રૂપિયા ૬૦નો વધારો થયો.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. ગેસ પુરવઠામાં વિક્ષેપ આવતા દેશના મોટા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે. જાે LPG સપ્લાય ટૂંક સમયમાં જ સામાન્ય નહીં થાય તો આગામી ૨ દિવસોમાં શહેરના અનેક રેસ્ટોરન્ટ કેટલાક દિવસો સુધી બંધ રાખવાની ફરજ પડી શકે છે. કોમર્શિયલ ગેસની સપ્લાય અને ડિલિવરીમાં મોડું થવાથી પરિસ્થિતિ બગડતી જઈ રહી છે.બેંગાલુરૂ હોટેલ્સ એસોસિએશને જાહેરાત કરી છે કે જાે ગેસનો પુરવઠો તાત્કાલિક પુન:સ્થાપિત કરવામાં નહીં આવે, તો શહેરની હજારો રેસ્ટોરન્ટ્સ અને ખાણી-પીણીની દુકાનો ૧૦ માર્ચથી બંધ કરી દેવામાં આવશે. એસોસિએશનના જણાવ્યા મુજબ, અચાનક જ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આનાથી માત્ર હોટેલ માલિકો જ નહીં, પરંતુ દરરોજ બહાર જમતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જાે આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી ૨ દિવસોમાં મુંબઈની તમામ રેસ્ટોરન્ટને બંધ કરવી પડી શકે છે. અત્યાર સુધી એસોસિએશનના અંદાજિત ૧૦ થી ૨૦ ટકા મેમ્બર્સને ગેસ સપ્લાયમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.મુંબઈમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં રિફિલિંગ માટે ૨ થી ૮ દિવસ સુધીનું વેઈટિંગ જાેવા મળી રહ્યું છે.
ગેસ ડીલરોનું કહેવું છે કે રવિવારથી કોમર્શિયલ સપ્લાય લગભગ ઠપ જેવો છે, જેના કારણે રેસ્ટોરન્ટ માલિકો હવે કાળાબજારમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા છે. મહારાષ્ટ્રના પુણેમાં તો ગેસની અછતના કારણે ગેસ આધારિત સ્મશાનગૃહો પણ કામચલાઉ ધોરણે બંધ કરી દેવા પડ્યા છે.મુંબઈના રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે, તેમને કોમર્શિયલ LPG સિલિન્ડર નથી મળી રહ્યા. મુલુંડમાં હોટલ સાગર ચલાવનારી અન્નૂ શેટ્ટીએ જણાવ્યું કે, અનેક જગ્યાઓ પર સિલિન્ડરની સપ્લાય અકટી ગઈ છે. જ્યાં મળે પણ છે ત્યાં ભાવ વધી ગયા છે. ૧૭૫૦ રૂપિયામાં મળનારો કોમર્શિયલ LPG સિલિન્ડર હવે ૧૯૫૦ રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે.દક્ષિણ ભારતના ચેન્નાઈમાં પણ હોટેલ એસોસિએશને સરકારને પત્ર લખીને જાણ કરી છે કે જાે ગેસ નહીં મળે તો પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગને મોટું નુકસાન થશે. તમિલનાડુ ઉપરાંત પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસનો પુરવઠો મર્યાદિત કરી દીધો છે. સરકાર હાલમાં ઘરેલું (ડોમેસ્ટિક) ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે જેથી સામાન્ય લોકોના ઘરના ચૂલા ચાલુ રહે.બુકિંગ બાદ ગેસ મળવામાં ૨ થી ૮ દિવસ સુધી રાહ જાેવી પડી રહી છે. ત્યારે રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીઝથી જાેડાયેલા લોકોનું કહેવું છે કે, કોમર્શિયલ ગેસની અછતના કારણે કેટલાક લોકો ઘરેલૂ સિલિન્ડરોનો ઉપયોગ કરી શકે છે. જાેકે, ડીલર તેને ગેરકાયદે ગણાવે છે. આ વચ્ચે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, કોમર્શિયલ LPG સિલિન્ડરની સપ્લાય પર કોઈ રોક નથી.ગેસની અછતની સાથે ભાવમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં અંદાજે રૂ.૧૧૫ અને ઘરેલું સિલિન્ડરમાં રૂ.૬૦નો વધારો થયો છે.




