
એન્જિનિયરોને પાછા બોલાવવા મુદ્દે ચીનની ચૂપકીદી.ચીને આઈફોન-૧૭ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી ૩૦૦ એન્જિનિયર પાછા બોલાવ્યા.ચીને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવાના સંકેતો આપ્યા હતા.ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં સ્માર્ટફોનનું ઉત્પાદન હબ બન્યું છે અને વૈશ્વિક નિકાસમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એપલના આઈફોનની વૈશ્વિક નિકાસમાં ભારતનું યોગદાન ૨૦ ટકા જેટલું છે. એપલ હવે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવો આઈફોન-૧૭ લોન્ચ કરવા જઈ રહી છે, જેનું ઉત્પાદન તમિલનાડુમાં થઈ રહ્યું છે. આવા સમયે ચીને અવળચંડાઈ દર્શાવતા ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે અને તેનું કોઈ કારણ પણ કહ્યું નથી.
અમેરિકન કંપની એપલ ભારતમાં ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપ મારફત આઈફોનનું ઉત્પાદન કરે છે. ફોક્સકોન ટેક્નોલોજીએ આઈફોનના ઉત્પાદન માટે તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. એપલ હવે ટૂંક સમયમાં આઈફોન-૧૭ લોન્ચ કરવાની છે તેવા સમયે જ ચીને ફોક્સકોન ટેક્નોલોજી ગૂ્રપના તમિલનાડુ પ્લાન્ટમાંથી તેના અંદાજે ૩૦૦ એન્જિનિયરોને પાછા બોલાવી લીધા છે. તાજેતરના મહિનાઓમાં ચીને બીજી વખત આવું પગલું ભર્યું છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ચીનના આ પગલાંથી ભારતમાં એપલના વિસ્તરણની ગતિ પર અસર થઈ રહી છે. આ એન્જિનિયર ફોક્સકોનની યુજાન ટેક્નોલોજી યુનિટમાં કામ કરતા હતા, જે જૂના આઈફોન મોડેલ માટે ઈનક્લોઝર અને ડિસ્પ્લે મોડયુલ બનાવે છે. રિપોર્ટ મુજબ આ કર્મચારીઓને હવે ચીન પાછા મોકલી દેવાયા છે અને તમિલનાડુ સ્થિત ફોક્સકોને તેમની જગ્યાએ તાઈવાનના એન્જિનિયરોને બોલાવવાનું શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષની શરૂઆતમાં પણ ફોક્સકોને કથિત રીતે ભારત સ્થિત તેની આઈફોન ફેક્ટરીમાંથી સેંકડો ચીની એન્જિનિયરો અને ટેકનિશિયનોને પાછા ઘરે મોકલી દીધા હતા. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે ચીને મૌખિકરૂપે નિયામકો અને સ્થાનિક સરકારોને ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ટેક્નોલોજી ટ્રાન્સફર અને પાર્ટ્સની નિકાસ પર અંકુશ મૂકવા માટે સંકેતો આપ્યા હતા, જેથી ચીનમાંથી એપલના આઈફોનના ઉત્પાદનનું પલાયન રોકી શકાય. જાેકે, એન્જિનિયરોને ભારતથી પાછા બોલાવવાના કારણો અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
