
ટૂંકા ગાળાના રોકાણકારોને રાહત : મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ ફી ઘટી…!!. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. વધતી સ્પર્ધાને કારણે હવે સ્કીમમાંથી બહાર નીકળવા માટે લેવામાં આવતી એક્ઝિટ લોડમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ લોડ એટલે ચોક્કસ સમય પહેલાં રોકાણ ઉપાડવા કે આંશિક ઉપાડ કરવા બદલ લેવામાં આવતી ફી, જે ઉપાડની કુલ રકમ પર લાગુ પડે છે.
તાજેતરમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડે તેની ઇક્વિટી અને હાઇબ્રિડ સ્કીમ્સ માટે ૦.૫ ટકા એકસરખો એક્ઝિટ લોડ નક્કી કર્યો છે, જે ૩૦ દિવસની અંદર ઉપાડ કરવા પર પણ લાગુ પડે છે. ત્યારબાદ SBI મ્યુચ્યુઅલ ફંડે પણ સપ્ટેમ્બર મહિનામાં સમાન ઘટાડો કર્યો છે. અગાઉ મોટાભાગની ઇક્વિટી સ્કીમ્સમાં એક વર્ષની અંદર ઉપાડ પર ૧ ટકા એક્ઝિટ લોડ વસુલવામાં આવતો હતો.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો કોઈ ફંડ હાઉસનું એક્ઝિટ લોડ સ્પર્ધકો કરતાં વધારે રહેશે તો રોકાણકારો અન્ય સ્કીમ્સ તરફ વળી જશે. ઓછો એક્ઝિટ લોડ ફંડ મેનેજરોને પણ ફાળવણીને વધુ અસરકારક રીતે ગોઠવવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને ટૂંકા ગાળાના રોકાણકારો માટે આ ઘટાડો મહત્વપૂર્ણ છે, કારણ કે આ ફી તેમના વળતર પર સીધી અસર કરતી હોય છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ બદલાવ ફક્ત સ્પર્ધાત્મક વ્યૂહરચના નથી, પરંતુ રોકાણને વધુ લવચીક અને સરળ બનાવી નાણાકીય સમાવેશ વધારવાનો પ્રયાસ પણ છે. લાંબા ગાળાના રોકાણકારો માટે એક્ઝિટ લોડનો પ્રભાવ ઓછો હોય છે, પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારોને આ પગલાંથી સીધો લાભ મળશે.
