
જ્વેલર્સ એસોસિએશને લીધેલા ર્નિણય.બિહારમાં હિજાબ કે બુરખો પહેરીને જ્વેલરીની દુકાનમાં પ્રવેશ નહીં મળે.બિહારના જુદ-જુદા જિલ્લાઓમાં જ્વેલરી શોપ્સમાં લૂંટ, ચોરી અને ફાયરિંગની કેટલીયે ઘટનાઓ બની છે.બિહારમાં સોના-ચાંદીના આભૂષણોના વેપાર સાથે જાેડાયેલા વેપારીઓએ સુરક્ષાના કારણોને લઈને એક મહત્વનો અને આકરો ર્નિણય લીધો છે. આ ર્નિણય અંતર્ગત આઠમી જાન્યુઆરીને ગુરુવારથી રાજ્યમાં સોના-ચાંદીના આભૂષણોની દુકાનોમાં હિજાબ, બુરખો પહેરીને કે ઘૂંઘટ રાખીને આવનાર મહિલાઓને પ્રવેશ નહીં અપાય. આ રીતે હેલમેટ કે મુરેઠા પહેરીને આવનાર પુરુષોને પણ પ્રવેશ મળશે નહીં. આ પ્રતિબંધનો ર્નિણય ઓલ ઈન્ડિયા ગોલ્ડ એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.
એસોસિએશનના પ્રદેશ અધ્યક્ષ અશોકકુમાર વર્માએ કહ્યું કે સોના-ચાંદીના આભૂષણોની દુકાનો હંમેશા ગુનેગારોના ટાર્ગેટ પર રહે છે. બિહારના જુદ-જુદા જિલ્લાઓમાં જ્વેલરી શોપ્સમાં લૂંટ, ચોરી અને ફાયરિંગની કેટલીયે ઘટનાઓ બની છે. આ ગુનાઓની ઘટનામાં એક સમાન વાત એ જાેવા મળી છે કે મોટાભાગના મામલાઓમાં ગુનેગારો ચહેરો ઢાંકીને દુકાનમાં પ્રવેશ કરે છે. હિજાબ, નકાબ, ઘૂંઘટ કે હેલમેટના કારણે સીસીટીવી કેમેરામાં પણ ચહેરા ચોખ્ખા દેખાતા નથી, જેનાથી ગુનેગારોની ઓળખ કરવામાં પોલીસને મુશ્કેલી થાય છે.




