
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં ભાગ લઈ રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની એવી ઝલક AAIના પેવેલિયનમાં મૂકવામાં આવી છે. યુવાપેઢી ભારતના એવિએશન ક્ષેત્રથી માહિતગાર થાય તેમ જ તેમાં રૂચી ધરાવતી થાય તે માટે ખાસ એવિએશનમાં કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યો છે. ખાસ કરીને એવિએશન ક્ષેત્રમાં જ્યાં 2014માં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા જેની સંખ્યા 2025માં 164 પર પહોંચી ગઈ છે અને પ્રધાનમંત્રી શ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને 2047 સુધીમાં 350-400 એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દેશભરમાં એર કનેક્ટિવિટી વધારવાનું તેમજ સુલભ અને આધુનિક એરપોર્ટના સંચાલનનું મિશન ધરાવે છે.
આજની યુવા પેઢી ભારતનું ભવિષ્ય છે અને આ જ વાતને ધ્યાનમાં રાખીને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં એવિએશનમાં ઉપલબ્ધ કારકિર્દીને લગતી સંભાવનાઓ વિષે યુવાઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એવિએશન ક્ષેત્રમાં રહેલાં ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં રૂચી જાગે અને પ્રધાનમંત્રી શ્રીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં તેઓ પણ ભાગીદાર બને તેવા સંપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પેવેલિયનમાં એરપોર્ટ જેવો જ માહોલ ઉભો કરવામાં આવ્યો છે. એરપોર્ટની જેમ જ પેવેલિયનમાં રન-વેની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે આ ખાસ ક્વિઝ, સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને મનોરંજન જ નહીં પણ માહિતી પણ પૂરી પાડશે. આ ઉપરાંત એર ટ્રાફિક કન્ટ્રોલ કે જે આકાશમાં વિમાનોનું સંચાલન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેમની કામગીરી વિષે પણ માહિતી આપવામાં આવી રહી છે. તેના સિવાય પણ એવિએશન ક્ષેત્રના વિવિધ વિભાગો જેવા કે ફાયર, એન્જિનીયરીંગ, ફાયનાન્સ અને એચઆરમાં રહેલી અનંત સંભાવનાઓ વિષે પણ યુવાઓ તથા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત આપણા ભારત દેશને એક કરવામાં જેમણે મહત્ત્વનો ફાળો આપ્યો એવા ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.
રાષ્ટ્રગીત વંદેમાતરમને 150 વર્ષ પૂરા જવાની ઉજવણીના ભાગ રૂપે પેવેલિયનમાં આવતાં વિદ્યાર્થીઓ, યુવાઓ અને મહાનુભાવો દ્વારા તેનું ગાન કરીને ભારતીય હોવાનું ગૌરવ લઈ રહ્યા છે. 15 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં યોજાઈ રહેલાં વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબીશનમાં સૌ વિદ્યાર્થીઓ, યુવાઓ મુલાકાત લે તેવું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.




