
હવે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા
રાજ્યની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતમાં VCE મદદરૂપ થશે
પ્રધાનમંત્રી જન ધન હેઠળ ખાતું ખોલાવવાથી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા,
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને અટલ પેન્શન યોજનાનો લાભ લઇ શકાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓની સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY હેઠળ ઝીરો બેલેન્સથી બેંક ખાતું ખોલાવાના અભિયાનનો દેશભરમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અત્યારસુધીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં PM જન ધન યોજના હેઠળ વિક્રમજનક કુલ ૧.૯૪ કરોડથી વધુ બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકને બેન્કિંગ સુવિધા સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ત્રણ મહિના માટે વિશેષ રીતે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેમજ અટલ પેન્શન યોજના અંતર્ગત બેન્કિંગ, વીમા અને પેન્શન યોજનાઓની ઘર આંગણે નજીવા દરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને જરૂરિયાત નાગરિકોને આર્થિક અને સામાજિક સલામતી પૂરી પાડવામાં આવી રહી છે.





