
ચોટીલ ગામના ખેડૂતો ત્રણ વર્ષથી બટાકાની ખેતી કરે છે.સરહદી વાવ અને ધરણીધર તાલુકામાં બટાકાનું ૪૫ હેક્ટરમાં વાવેતર કરાયું.ખેડૂતોમાં વધતો ઉત્સાહ અને નવી ટેકનિક અપનાવવાની તૈયારી વિસ્તારના કૃષિ વિકાસ માટે શુભ સંકેત માનવામાં આવી રહી છે.ભારતમાં બટાકાની ખેતી માટે ડીસા જાણીતું છે, પરંતુ હવે સરહદી વાવ-થરાદ તાલુકાના ગામડાઓમાં પણ બટાકાનું વાવેતર વધી રહ્યું છે. નર્મદા કેનાલનું પાણી પહોંચતાં ખેડૂતો પરંપરાગત પાકોથી આગળ વધીને નવા અને નફાકારક પાક તરફ વળી રહ્યા છે. સરહદી વાવ, થરાદ, સુઈગામ, ધરણીધર પંથકમાં દર વર્ષે સૌથી વધારે જીરા, એરંડા, વરિયાળી, ઈસબગુલ અને ઘઉંનું વાવેતર થાય છે. ત્યારે આ વખતે વાવ અને ધરણીધર તાલુકામાં ૪૫ હેક્ટર બટાકાનું વાવેતર કરાયું છે.
કૃષિ જાણકારોના મત મુજબ, જાે આવું જ ઉત્પાદન અને બજાર સહકાર મળતો રહેશે તો થરાદપંથક પણ ભવિષ્યમાં બટાકા માટે આગવી ઓળખ ઊભી કરી શકે છે. ખેડૂતોમાં વધતો ઉત્સાહ અને નવી ટેકનિક અપનાવવાની તૈયારી વિસ્તારના કૃષિ વિકાસ માટે શુભ સંકેત માનવામાં આવી રહી છે. નર્મદા કેનાલના પાણીને કારણે સરહદી વિસ્તારનું કૃષિ ચિત્ર ખૂબ જ ઝડપી બદલાઈ રહ્યું છે. ડીસાની જેમ હવે વાવ, થરાદનું નામ પણ બટાકાની ખેતીમાં જાેડાતું નજરે પડી રહ્યું છે, જે ખેડૂતો માટે આશા અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.આ અંગે થરાદ બાગાયત અધિકારી દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીના સહયોગથી વાવ તાલુકામાં ૨૫ અને ધરણીધર તાલુકામાં ૨૦ હેક્ટર જેવું વાવેતર થયું છે. જાેકે વાવ તાલુકાનાં લાલપુરા પટ્ટામાં પણ બટાકાનું વાવેતર થાય છે તો ધરણીધર વિસ્તારમાં પણ નર્મદાના નીર થકી ખેડૂતો વાવેતર કરી રહ્યાં છે.




