
અત્યાર સુધીમાં ૧૧૪૫ લોકોના મોત અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વિનાશક બન્યું સતત હુમલાઓના કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના અનેક ઠેકાણાઓ પર બોંબ વરસાવી રહ્યા છે, તો ઈઝરાયેલ પણ ડ્રોન અને મિસાઈલો ઝિંકીને ઈરાનને વેરવિખેર કરી રહ્યું છે. આ યુદ્ધની અસર માત્ર ઈરાન પુરથી જ નથી, પરંતુ મધ્ય-પૂર્વના અનેક દેશો પર આ સંકટનો સામનો કરી રહ્યા છે. ઈરાન માત્ર ઈઝરાયલ પર જ નહીં તેની આસપાસના કતાર, સાઉદી અરેબિયા સહિતના દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી ચાલી હેલા આ યુદ્ધમાં કેટલા લોકોના મોત થયા તેનો ડેટો પણ સામે આવ્યો છે.
સ્થાનિક આરોગ્ય સંગઠનોએ કહ્યું છે કે, છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત ૧૧૪૫ લોકોના મોત થયા છે. સતત હુમલાઓના કારણે દિવસે ને દિવસે મોતનો આંકડો અને ઈજાગ્રસ્તોનો આંકડો વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે, હજુ ચારથી પાંચ અઠવાડિયા સુધી હુમલાઓ ચાલુ રહેશે. આ યુદ્ધમાં ઈરાનના સર્વાેચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ અને પછી તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની મોત થયું છે. એટલું જ નહીં દેશના સંરક્ષણ મંત્રી સહિત અનેક ટોચના વડાઓ અને અધિકારીઓના એક પછી એક મોત થઈ રહ્યા છે.મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાની સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરાતા શ્રીલંકન દરિયાકાંઠા નજીક ઈરાનનું જહાજ ડુબી ગયું છે. આ ઘટનામાં ૮૦ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે ૩૨ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ હુમલાની વિગતો આપતા જણાવ્યું હતું કે, મંગળવારે મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ ઘટના અંગે નિવેદન આપતા કહ્યું કે ‘એક અમેરિકન સબમરીને ઈરાની જહાજને ડૂબાડી દીધું છે જે આંતરરાષ્ટ્રીય જળસીમામાં પોતાને સુરક્ષિત માની રહ્યું હતું. આ જહાજ ટોર્પિડો દ્વારા ડૂબાડવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ટોર્પિડો દ્વારા દુશ્મનના જહાજને ડૂબાડવાની આ પ્રથમ ઘટના છે.’બીજીતરફ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના પૂર્વ દરિયાકિનારા પર રાસ તનુરા ઓઇલ ટર્મિનલ પર ફરી એકવાર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ટર્મિનલની ગણતરી વિશ્વના સૌથી મોટા તેલ નિકાસ કેન્દ્રોમાં થાય છે અને તે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. થોડા દિવસોમાં આ બીજી ઘટના છે, જેનાથી વૈશ્વિક ઉર્જા સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે.ઈઝરાયલી સૈન્ય પ્રવક્તાએ દક્ષિણ લેબનાનના રહેવાસીઓને તાત્કાલિક ઘરો ખાલી કરી લિટની નદીની ઉત્તરે જવા આદેશ આપ્યો છે. હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીના ભાગરૂપે આ ચેતવણી આપવામાં આવી છે.




