
આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ દિલ્હીના જંતર મંતર પર દીકરીઓ પર થયેલા લાઠીચાર્જ મુદ્દે ઉગ્ર નિવેદન આપતા જણાવ્યું હતું કે, “બેટી બચાવો બેટી પઢાવો” અને સ્ત્રી સશક્તિકરણના નારા ફક્ત ચૂંટણી પૂરતા છે. દેશની દીકરીઓ દિલ્હીના જંતર મંતર ખાતે સત્તાધીશોને સવાલ કરવા માટે પહોંચી હતી પરંતુ એમની સાથે દિલ્હી પોલીસનું વર્તન કેવું હતું? આ દીકરીઓ આતંકવાદી હોય એમ એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમના કપડા ફાડી નાખવામાં આવ્યા, દીકરીઓને છાતીમાં મારવામાં આવ્યું, જેમ ફાવે એમ લાઠીઓ વરસાવવામાં આવી. સ્ત્રીઓ સશક્ત બનીને સત્તાધીશોને જ્યારે સવાલ પૂછે છે તો તમે એ સાંભળી તો શકતા નથી. જે લોકોના હાથમાં દેશની સુરક્ષા છે એ લોકોએ જ દીકરીઓ પર લાઠીઓ વરસાવી તો એ દીકરીઓ હવે ક્યાં જશે? ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પણ દેશમાં સ્ત્રીઓનું અપમાન થયું છે ત્યારે ત્યારે સ્ત્રીઓના અપમાન કરવા વાળા લોકોને મિટ્ટીમાં મિલાવી દેવામાં આવ્યા છે. સત્તાનો અહંકાર સારો નથી. રાવણનો અહંકાર પણ ટક્યો ન હતો તો તમે તો એક તુચ્છ માણસ છો. સત્તા આજે છે અને કાલે નથી માટે વિનંતી છે કે ઓછા પાપ કરો, સ્ત્રીઓને સન્માન આપો.
વધુમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, દેશના તમામ યુવાનો, વિદ્યાર્થીઓ અને દીકરીઓની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે કારણ કે એમનાથી વ્યવસ્થા સચવાતી નથી એમના કારણે પેપરો ફૂટે છે તો એમને હવે ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી. એક સામાન્ય વ્યક્તિ ખુરશીમાં બેસવાનો અધિકાર આપે છે તો ખુરશીમાંથી બેસવાનો અધિકાર છીનવી પણ શકે છે. સવાલ પૂછવો એ નાગરિકોનો હક છે અને એ સવાલનો જવાબ આપવો એ સત્તાધીશોની જવાબદારી છે. દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને દીકરીઓ પર તમે જે લાઠીચાર્જ કર્યો છે એનો જવાબ આવનાર સમયમાં લોકો આપશે. જો તમે તમારી જવાબદારી નિભાવશો તો તમારે આ પ્રમાણે લાઠી નહીં વરસાવી પડે, ટીઅર ગેસ નહીં છોડવા પડે. પહેલાના સમયમાં જે પ્રમાણે આંદોલનકારીઓ પર હિંસા કરવામાં આવતી હતી એ ઇતિહાસને તમે ફરીથી રીપીટ કર્યો છે. એક સમયે લોકશાહી લાવવા માટે લડત ચાલતી હતી અને આજે લોકશાહી બચાવવા માટે લડત ચાલી રહી છે.




