
ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ. PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત.આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને MSME મજબૂત બનશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (૧૮ ડિસેમ્બર ૨૦૨૫) ઓમાનના સુલ્તાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને ઓમાને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ઓમાન સરકારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યોગદાન માટે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ ઓમાનથી સન્માનિત કર્યા.
આ કરારથી ભારતના શ્રમ-પ્રધાન વિસ્તારો જેવા કે વસ્ત્ર, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ડિવાઇસ અને ઓટોમોબાઇલ્સની નિકાસમાં વધારો થશે. આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને MSME મજબૂત બનશે. છેલ્લા છ મહિનામાં આ ભારતનો બીજાે મુક્ત વેપાર કરાર છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આપણા ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને ફાયદો થયો છે. ભારતનો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના અન્ય સભ્ય દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE)) સાથે પણ આવો જ કરાર છે, જે મે ૨૦૨૨માં અમલમાં આવ્યો હતો. GCC ના અન્ય સભ્યોમાં બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે. ભારત અને કતાર પણ ટૂંક સમયમાં વેપાર કરાર માટે વાટાઘાટો શરુ કરશે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં ભારત-ઓમાન દ્વિપક્ષીય વેપાર આશરે ૧૦.૫ અરબ અમેરિકન ડૉલર હતો.




