
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં ગાંધીનગર ખાતે યોજાયેલ જનસભામાં હાજરી આપી હતી અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ જનસભામાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની સાથે સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ ફ્રન્ટલ સંગઠન અધ્યક્ષ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલ વસરા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપી આવનારી ચૂંટણીઓમાં ઝાડુંનું બટન દબાવી જનતાની સરકાર બનાવવા માટે શપથ લીધા હતા.

આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ અને મનોજભાઈ સોરઠીયાની આગેવાનીમાં સોમનાથથી શરૂ થયેલી યાત્રા ગામડે ગામડે ફરીને આજે ગાંધીનગર પહોંચી. એમણે જોયું કે દરેક જગ્યાએ ખેડૂતો દુખી છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળતું, પૂરતો ભાવ નથી મળતો, દરેક વસ્તુઓનો ભાવ વધારો થઈ ગયો છે, પરંતુ ભાજપની આ સરકારે 30 વર્ષથી કશું કર્યું નથી. ગુજરાતના એક એક લોકો જાણે છે કે આ લોકોની ભ્રષ્ટાચારની સરકાર છે અને જો કોઈ આ લોકો સામે અવાજ ઉઠાવે તો તેમને ખોટા કેસમાં ઉઠાવીને જેલમાં નાખી દેવામાં આવે છે. થોડા દિવસ પહેલા હડદડ ગામમાં ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો અને 85 ખેડૂતોને મહિનાઓ સુધી જેલમાં નાખવામાં આવ્યા. જ્યારે લોકો દિવાળી મનાવી રહ્યા હતા ત્યારે આ ખેડૂતો જેલમાં તડપી રહ્યા હતા. આ ફક્ત 85 ખેડૂતોની વાત ન હતી, ભાજપ સરકાર આ 85 ખેડૂતોના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને સંદેશ આપી રહી હતી કે “ ખબરદાર જો અમારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તમારી પણ આવી હાલત થશે”. આ ખેડૂતોનું અપમાન છે. હવે ખેડૂતોએ કસમ ખાવી પડશે કે બીજી કોઈ પણ પાર્ટીને વોટ આપીશું પરંતુ ક્યારેય ભાજપને વોટ નહીં આપીએ અને ભાજપના કમળને ગુજરાતમાંથી ઉખાડીને ફેંકી દઈશું.
વધુમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની શું ભૂલ હતી? મનરેગામાં કૌભાંડ થઈ જ રહ્યા છે. ચૈતર વસાવાએ કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે “ગરીબોના પૈસા ન ખાઓ” પરંતુ આ લોકોએ ચૈતર વસાવાને જેલમાં નાખી દીધા. પ્રવિણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો તો પ્રવીણ રામને પણ જેલમાં નાખી દીધા. આ લોકોએ મને પણ છ મહિના સુધી જેલમાં નાખી દીધો હતો. અમારી પાર્ટીના પાંચ મોટા નેતાઓને પકડીને જેલમાં નાખ્યા હતા. આ લોકોએ તમામ જગ્યાએ શોધખોળ કરી પરંતુ એક પણ પૈસો મળ્યો નહીં. આખરે કોર્ટે કહ્યું કે “કેજરીવાલની વિરુદ્ધ કોઈ કેસ બનતો જ નથી” બીજેપી કહે છે કે “કેજરીવાલ ચોર છે” કોર્ટ કહે છે કે “કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે” કોટે કહ્યું કે “ કેસ ચલાવવા લાયક કોઈ સબૂત જ નથી” જો એક સીટિંગ ચીફ મિનિસ્ટરને ઉઠાવીને જેલમાં નાખી દેવામાં આવે તો સામાન્ય લોકોની શું ઔકાત?
વધુમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, હવે હું જણાવીશ કે આ લોકોએ કેમ મને જેલમાં નાખ્યો. દિલ્હીમાં પણ ગુજરાત જેવી હાલત હતી, ત્યાં પણ ફક્ત બે જ પાર્ટી હતી અને લોકો બંને પાર્ટીઓથી પરેશાન થઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ નક્કી કર્યું કે હવે તેઓ જનતાની સરકાર બનાવશે અને 2015માં લોકોએ ઝાડનું બટન દબાવીને જનતાની સરકાર બનાવી. દિલ્હીના લોકોએ મને મુખ્યમંત્રી બનાવ્યો અને લોકોએ મને જે કહ્યું તે તમામ કામ મેં કર્યા લોકોએ કહ્યું કે વીજળી ફ્રી કરો, તો મે વીજળી ફ્રી કરી. લોકોએ કહ્યું કે પાણી ફ્રી કરો તો મેં પાણી ફ્રી કર્યું, લોકોએ કહ્યું કે વીજળી 24 કલાક આપો તો અમે કોઈ પણ પાવર કટ વગર 24 કલાક વીજળી આપી. મેં જનતાનો અવાજ સાંભળીને શાનદાર સ્કૂલો બનાવી અને મફતમાં શ્રેષ્ઠ આરોગ્ય વ્યવસ્થા મળે એવી હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક બનાવ્યા. ત્યારબાદ પંજાબમાં અમે કોંગ્રેસ-બીજેપી અને અકાલી દળને હરાવીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. ત્યારબાદ અમે પંજાબમાં પણ આવા જ કામ કર્યા. અમે પંજાબમાં એક ખેડૂત પુત્ર ભગવંત માનને મુખ્યમંત્રી બનાવ્યા. અમે પંજાબમાં ખેડૂતોને મફતમાં અને સવારના સમયે વીજળી આપવાનું શરૂ કર્યું. પંજાબના દરેક ખેતરમાં સિંચાઈનું પાણી પહોંચી ગયું છે. આજે પંજાબનો બજેટ આવ્યું છે અને તેમાં જાહેરાત કરવામાં આવી છે કે દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1,000ની રકમ આપવામાં આવશે. શું આવા કામ ગુજરાતમાં થવા જોઈએ કે નહીં? આમ આદમી પાર્ટી આવા કામ કરી રહી છે એટલા માટે મને જેલમાં નાખવામાં આવ્યો હતો.

વધુમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના લોકોએ અમારા પાંચ ધારાસભ્યો બનાવ્યા અને આ લોકોને લાગી રહ્યું છે કે હવે તો આમ આદમી પાર્ટી આ જ રીતે આગળ વધી રહી તો 2027 માં AAP સરકાર બનાવશે. એટલા માટે આ લોકો મને રોકવા માંગે છે અને મારા પર શરાબ કૌભાંડ સહિત અલગ અલગ આરોપ લગાવી રહ્યા છે. અમારા નેતાઓ પર 200થી વધારે ખોટા કેસ કરવામાં આવે છે. મને જેલમાં નાખીને દિલ્હીની સત્તા પર ચોરીથી કબજો કરી લીધો. ભાજપ આખા દેશમાં કહે છે કે આખું ગુજરાત તરક્કી કરી રહ્યું છે પરંતુ આજે ગુજરાતના ખેડૂતો તરક્કી નથી કરી રહ્યા, યુવાનો તરક્કી નથી કરી રહ્યા. ગુજરાતમાં ફક્ત બીજેપી અને કોંગ્રેસના નેતાઓ તરક્કી કરી રહ્યા છે. ખેડૂતો જમીન ગીરવે મૂકીને પોતાના બાળકને ભણાવવા માટે અમદાવાદ, ગાંધીનગર, સુરત મોકલે છે અને પરીક્ષા સમય પેપર લીક થઈ જાય છે. દિલ્હીમાં અમારી સરકાર વખતે એક પણ પેપર લીક થયું ન હતું. પંજાબમાં પણ એક પણ પેપર લીક નથી થયું પરંતુ ગુજરાતમાં રોજ પેપર લીક થઈ રહ્યા છે. આ લોકોની પાર્ટીના નેતાઓ પેપર લીક કરાવી રહ્યા છે. જે પેપર લીક કરે છે એ લોકોને જેલ નથી મોકલતા, પરંતુ આ લોકો ચૈતર વસાવા, પ્રવીણ રામ જેવા લોકોને જેલમાં મોકલે છે. આ લોકો બાળકોને રોજગાર નથી આપતા અને આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે.
વધુમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 2027ની ચૂંટણીથી હવે વ્યવસ્થા બદલવાની છે. આ લોકોના નેતાઓ ચૂંટણી સમયે વાયદા કરે છે કે “આ કરી નાખીશું પહેલું કરી નાખીશું” પરંતુ ચૂંટણી બાદ તમને ભિખારી બનાવી દે છે. ગુજરાતમાં કેટલાય ધારાસભ્યો છે તેમની પાસે 100 કરોડથી વધારેની સંપત્તિ છે. કાલ સુધી એ લોકો સ્કૂટરમાં ફરતા હતા આજે 100 કરોડના માલિક છે. આ ચોરીના પૈસા છે. આ લોકોને ફક્ત પોતાના પરિવારની અને બાળકોની પડી છે. જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી બનાવવાની વાત હતી ત્યારે ગુજરાતના બે કરોડ યુવાનો કે દેશના 40 કરોડ યુવાનોમાંથી કોઈને સિલેક્ટ કરવાની જગ્યાએ અમિત શાહના દીકરાને બીસીસીઆઈની જવાબદારી સોંપવામાં આવી. પછી ઇન્ટરનેશનલ લેવલે ઉપર આઇસીસીના ચેરમેન પદે જય શાહને જ બેસાડવામાં આવ્યો મારું એક જ કહેવું છે કે કમસેકમ ત્યાં તો કોઈ બીજા ગુજરાતીને બેસાડવો હતો. આ લોકો ટિકિટ પણ પોતાના બાળકોને આપે છે, આપણા બાળકોને ટિકિટ કેમ નથી મળતી. પરંતુ હવે આ વખતે આ વ્યવસ્થા બદલવાની છે. હું ક્યારેય મારા બાળકોની ટિકિટ નહીં આપું અને એ લોકો ક્યારેય પણ રાજનીતિમાં નહીં આવે. ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, ગોપાલ ઇટાલીયા તમામ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે કોઈ રાજનૈતિક પરિવારમાંથી નથી આવતા. અમે જ્યારે ટિકિટ આપવાનું શરૂ કરીશું તો સામાન્ય લોકોના બાળકોને ટિકિટ આપીશું. તમામ લોકો પોતાના બાળકોને કહો કે આમ આદમી પાર્ટી જોઇન કરે અમે એમને ટિકિટ આપીશું. તમારા બાળકોમાંથી જ કોઈ સરપંચ બનશે, કોઈ તાલુકા પંચાયતના સભ્ય બનશે, કોઈ જિલ્લા પંચાયતના સભ્ય બનશે, કોઈ ધારાસભ્ય બનશે, કોઈ સાંસદ બનશે, કોઈ મંત્રી બનશે.
વધુમાં AAP નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આ વખતે ગુજરાતમાં જનતાની સરકાર બનશે. આ વખતે ગુજરાતમાં ત્રીપલ એન્જિન નહીં પરંતુ મલ્ટિપલ એન્જિનની સરકાર બનશે, આ વખતે ગુજરાતમાં કિસાન એન્જિન, મહિલા એન્જિન, યુવા એન્જિન બનશે અને ગુજરાતના તમામ 6 કરોડ લોકો ગુજરાતના 6 કરોડ એન્જિન બનશે. જ્યારે જનતાની સરકાર બનશે ત્યારે આપણે સૌથી પહેલા નેતાઓની ગુંડાગર્દી બંધ કરાવીશું, નેતાઓના ભ્રષ્ટાચાર બંધ કરીશું, નેતાઓને સબક શીખવાડીશું. જે લોકોએ ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે એ તમામ લોકોને જેલમાં નાખીશું. જ્યારે જનતાની સરકાર હશે તો જનતા કહેશે એવા જ કામ થશે અને જનતાને ઈજ્જત મળશે. બિહારમાં એક અબજપતિને 1000 એકર જમીન એક રૂપિયામાં આપી દીધી. ગુજરાતના ખેડૂત એક રૂપિયામાં 2 એકર જમીન માગશે તો એમને એ પણ નહીં આપે. જ્યારે જનતાની સરકાર બનશે તો ગુજરાતમાં અબજોપતિ નહીં પરંતુ ખેડૂતોને એક રૂપિયામાં જમીન મળશે. જે પણ લોકો કહે છે કે મારો આખો પરિવાર બીજેપીમાં છે એમને મારો સવાલ છે કે બીજેપીએ તમને શું આપ્યું?? હું આ વખતે તમામ લોકોને કહીશ કે બીજેપી છોડો કોંગ્રેસ છોડો અને જનતાની સરકાર બનાવો અને ઝાડું ચલાવીને પોતાની સરકાર બનાવો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજીએ સભામાં ઉપસ્થિત તમામ લોકોને શપથ લેવડાવ્યા કે “ કસમ ખાઉં છું કે ગુજરાતની તરક્કી માટે અને પોતાના પરિવારની તરક્કી માટે આવનારી કોઈ પણ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને વોટ નહીં આપું, હવે હું ઝાડુંનું બટન દબાવીને પોતાની સરકાર બનાવીશું.”
સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ પરિવર્તનની યાત્રામાં જોડાવું સરળ નથી. જો આપણે માત્ર બેઠા રહીએ તો પરિવર્તન આવશે નહીં. તેથી આ તમારી, મારી અને દરેક કાર્યકરની પરીક્ષા છે. તેમણે જણાવ્યું કે આપણે ખેડુતોને બચાવવા માંગીએ છીએ તો તે માટે સંઘર્ષ કરવો પડશે. ઘણા લોકો પૂછે છે કે પંજાબમાં તમારી સરકાર છે, તો તમે ખેડુતો માટે શું કર્યું છે? પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાહેબે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અને પૂછ્યું કે તમે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી નોકરી કરો છો. અધિકારીઓએ જણાવ્યું કે તેઓ સવારે દસથી સાંજના છ સુધી નોકરી કરે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો તમે દસથી છ નોકરી કરો છો, તો ખેડૂતને રાત્રે અઢી વાગ્યે પાણી વાળવા કેમ જવું પડે? ત્યારબાદ સરકારે નિર્ણય લીધો કે ખેડૂતોને દિવસે દસથી છ દરમિયાન જ વીજળી આપવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબમાં ખેડૂતોને દિવસે વીજળી પણ આપવામાં આવે છે અને તે પણ મફતમાં આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ખેડુતો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. બેરોજગારી વધી રહી છે અને યુવાનો, મજૂરો તથા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે. આજે મહિલા દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું કે મહિલાઓની સાચી ઉજવણી ત્યારે થાય જ્યારે સરકાર મહિલાઓને સશક્ત બનાવે. આમ આદમી પાર્ટીની સરકારમાં મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. આવી સરકારો હોય. તેમણે કહ્યું કે ઘણા લોકો કહે છે કે અમે ખુલ્લેઆમ બહાર આવી શકતા નથી, પરંતુ અંદરખાને તમારી સાથે છીએ. લોકોને ડર બતાવવામાં આવે છે, પરંતુ હવે લોકો આ ડરથી બહાર આવી રહ્યા છે અને પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યા છે.
ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સભામાં પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ તથા ખેડૂત નેતા પ્રવીણ રામે “પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા”નું નેતૃત્વ પૂરું પાડ્યું. અનેક ગામડાઓમાં ફરીને ખેડૂતોના હાલ ચાલ પૂછીને તથા તેમની સમસ્યાઓ જાણીને આજે આ યાત્રા ગાંધીનગર પહોંચી છે. ગુજરાતના શહેરોના વિકાસ માટે 33 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી અને આખા ગુજરાતના બધા ગામડાઓના વિકાસ માટે માત્ર 14 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી. ગામડું એટલે ખેતી અને ગામડું એટલે પશુપાલન અને ગામડું એટલે સ્વરોજગાર. પરંતુ ગામડા આગળ ન આવે એટલા માટે સરકારે બજેટમાં ગામડા માટે ઓછી જોગવાઈ કરી. ગુજરાતમાં ચાર લાખ કરોડનું બજેટ ફાળવ્યું પરંતુ પશુપાલન માટે ફક્ત 500 કરોડ ફાળવ્યા. ગામડાના લોકો પણ ભાજપને મત આપે છે, શહેરના લોકો પણ ભાજપને મત આપે છે, તો પછી ગામડા સાથે અન્યાય કેમ થઈ રહ્યો છે? ગામડાના લોકો ગામડામાં રહી ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ભાજપના લોકોએ કર્યું છે અને હવે મજબૂરીવશ લોકો ગામડા છોડી રહ્યા છે. 30 વર્ષથી ભાજપની સરકાર છે અને એવી પરિસ્થિતિ છે કે સરકારે લોકોને મીઠું આપવું પડે છે. તો વિચારો કે ભૂખમરો કઈ હદે પહોંચી ગયો છે.
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 24 તારીખે સોમનાથ દાદાના ચરણોમાંથી શરૂ થયેલી યાત્રા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાંથી પસાર થઈ આજે ગાંધીનગરની ધરતી પર પહોંચી છે અને અહીં આ યાત્રાનું સમાપન થયું છે. તેમણે જણાવ્યું કે “પરિવર્તન લાવો, કિસાન બચાવો” યાત્રાના માધ્યમથી ગુજરાતમાં ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે અને હવે સરકાર માટે ખેડૂતોના પ્રશ્નોને અવગણવું સરળ નથી. યાત્રા દરમિયાન અનેક ખેડૂતોના પ્રશ્નો સામે આવ્યા હતા. સિંચાઈના પાણીના પ્રશ્નો, હાઈટેન્શન લાઈનના પ્રશ્નો, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં પીવાના પાણીની અછત, સમયસર ખાતર ન મળવું જેવા મુદ્દાઓ ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પાંચ મિનિટમાં હોમ ડિલિવરી થઈ શકે છે, પરંતુ ખેડૂતોને પીવાનું પાણી અને ખાતર મળતું નથી, જે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ પર ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં કોર્ટ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણય આમ આદમી પાર્ટી માટે ઉત્સવ સમાન છે અને દેશ સામે ફરી એકવાર સાબિત થયું છે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર નેતા છે. હડદડમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતો પોતાના હકો માટે આંદોલન કરવા ગયા ત્યારે તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ થયો અને અનેક ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કરાવે છે ત્યારે તે સરકારના અંતની શરૂઆત હોય છે. તેમણે વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી ભાજપથી ડરવાની નથી અને ઝૂકવાની પણ નથી. 2012માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મેડિકલ માફિયાઓ સામે લડાઈ શરૂ કરી હતી, હજારો મેડિકલ દુકાનો બંધ કરાવી હતી અને અનેક યુવાનોને રોજગાર મળવા માટે લડત આપી હતી. ત્યારબાદ ફિક્સ પગાર કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, આશા વર્કરો સહિત અનેક વર્ગોના હકો માટે પણ તેમણે લડત આપી છે.
ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ સભામાં પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સભામાં આવેલી જનમેદની જોઈને હું સ્પષ્ટપણે કહી શકું છું કે આવનારી 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર વિધાનસભામાં બેસવાની છે. 30 વર્ષથી શાસનમાં ચાલી રહેલી ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરે છે. એનું ઉત્તમ ઉદાહરણ હું પોતે છું, કારણ કે મારી ઉપર 19 જેટલી FIR કરવામાં આવી છે અને 7 વખત મને જેલમાં નાખવામાં આવ્યો છે. આવી રીતે અનેક લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા અને તેમના પરિવારને પણ ડરાવવામાં આવ્યા પરંતુ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને જે ખેડૂત નેતાઓ આટલા અત્યાચાર બાદ પણ જેલમાંથી બહાર આવીને ખેડૂતોની લડાઈ લડી રહ્યા છે તેમને હું સલામ કરું છું. આમ આદમી પાર્ટી ખેડૂતો માટે, વિદ્યાર્થીઓ માટે, કર્મચારીઓ સહિત તમામ વર્ગના લોકો માટે લડત લડશે. ભાજપે વિધાનસભામાં ગુજરાતનું જેટલું બજેટ રજૂ કર્યું એનાથી વધારે તો ગુજરાતનું દેવું થઈ ગયું છે. આ ₹4,30,000 કરોડનું દેવું ગુજરાતની ભાજપ સરકારે કર્યું છે. કોંગ્રેસે ખેડૂતો પર અત્યાચાર કર્યો હતો, હવે ભાજપે પણ ખેડૂતો પર અત્યાચાર કર્યો છે. હું ગુજરાતના તમામ લોકોને કહીશ કે તમામ લોકોએ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તૈયાર થવાનું છે.
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ માટે સૌએ મળીને વધુ મહેનત અને સંઘર્ષ કરવો પડશે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સારા અને મજબૂત ઉમેદવારો ઉભા કરી ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે 2027માં સત્તા પરિવર્તન નિશ્ચિત છે. તેમણે જણાવ્યું હતું કે 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને તે સરકાર ગુજરાતના સામાન્ય લોકોની સરકાર હશે. મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીના ઘણા કાર્યકર્તાઓએ લાંબા સમયથી સંઘર્ષ કર્યો છે, રસ્તા પર ઉતરીને આંદોલનો કર્યા છે અને જરૂર પડે ત્યારે જેલ ભોગવીને પણ લોકોના પ્રશ્નો માટે લડત આપી છે. તેમણે આવા તમામ સાથીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે લોકોનો અવાજ ઉઠાવવાનું કાર્ય આમ આદમી પાર્ટી સતત કરી રહી છે. વિસાવદરથી શરૂ થયેલી આ લડત હવે વિધાનસભા સુધી પહોંચી છે. વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગુજરાતના લોકોના પ્રશ્નોને જોરદાર રીતે રજૂ કર્યા છે. ગુજરાતમાં મજબૂત વિકલ્પ ઉભો કરી તેને આગળ વધારવાની જવાબદારી હવે આપ સૌ પર છે.
ત્યારબાદ ધારાસભ્ય હેમંત ખવાએ સભામાં પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, હડદડના આંદોલન બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ આમ આદમી પાર્ટીમાં મજબૂત બન્યો છે અને આ વિશ્વાસને તોડવા માટે ઘણા કાવતરા કરવામાં આવ્યા. પરંતુ આવા એક પણ કાવતરા સામે ઝૂક્યા વિના આજે આખી મોટી સંખ્યામાં ખેડૂતો આ સભામાં ઉપસ્થિત રહ્યા છે તે માટે તમામ ખેડૂતોને હું સલામ કરું છું. આખી આમ આદમી પાર્ટીને તોડવા માટે પણ ઘણા કાવતરા કરવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલજીને પણ છ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. અને આખરે દિલ્હીની કોર્ટે પણ કહ્યું કે “અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપો એકદમ પાયાવિહોણા છે.” અને જ્યારથી આ કોર્ટનો ચુકાદો આવે છે ત્યારથી ગુજરાતના ખેડૂતોની આશામાં અનેક ગણો વધારો થયો છે. હવે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી રહી છે. આપણે તમામ લોકોએ અરવિંદ કેજરીવાલજીની અને આમ આદમી પાર્ટીની વિચારધારા લઈને લોકોની વચ્ચે જવાનું છે. જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે આમ આદમી પાર્ટીને સારું પરિણામ અપાવીશું તો 2027માં ભાજપને ઘરે બેસાડવા આસાન બની જશે.




