
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપની પોલ ખુલી જાય એવી માહિતી આજે સામે આવી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલજીએ જાહેરાત કરી હતી કે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતના લોકોને પણ મફતમાં વીજળી આપવામાં આવશે, ત્યારે ભાજપના લોકોએ આમ આદમી પાર્ટી અને ગુજરાતના ગરીબ લોકોની મજાક ઉડાવી હતી. ભાજપના લોકોએ કહ્યું કે “ગુજરાતમાં ગમે તેટલી મોંઘી વીજળી હશે તો પણ લોકોને પોસાશે.” તો આજે વિધાનસભામાં મારો સવાલ હતો ત્યારબાદ જાણવા મળ્યું કે રાજકોટ અને સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ઉદ્યોગીક કંપનીના 1100 કરોડ વીજળીના રૂપિયા માફ કર્યા છે. આ ફક્ત બે જિલ્લાનો આંકડો છે તો આખા ગુજરાતનો આંકડો કદાચ 50000 કરોડથી પણ વધારે હોઈ શકે. જો અમે ગરીબોને મફત વીજળી આપવાની વાત કરીએ તો ભાજપના લોકો મજાક ઉડાવે છે પણ ભાજપે ઉદ્યોગપતિઓને 1100 કરોડની વીજળી મફતમાં આપી, તો એમાં ભાજપના લોકો એમની મજાક નથી ઉડાવતા. અરવિંદ કેજરીવાલ મફત વીજળી આપવાની વાત કરે છે તો તેનો વિરોધ કરવામાં આવે છે અને બીજી બાજુ ઉદ્યોગપતિ મિત્રોને મફતમાં વીજળી આપવી છે, આ બે મોઢાની વાતો વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી છે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બાદમાં મેં વિધાનસભામાં વળતો પ્રશ્ન પૂછ્યો કે “આ મફત વીજળી આપો છો, તો આના નીતિ નિયમો શું છે?” તો ઉર્જા મંત્રીએ એવો લાંબો લાંબો જવાબ આપ્યો કે જેનાથી કંઈ સ્પષ્ટ સમજાય નહીં. ત્યારબાદ મેં એવું પણ પૂછ્યું કે “કેટલી કંપનીઓએ મફતમાં વીજળી લેવા માટે અરજી કરી અને કેટલી કંપનીઓની અરજી મંજૂર થઈ અને કેટલી અરજીઓ નામંજૂર થઈ?” તો એની પણ કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી મને મળી નહીં. બાદમાં મેં એવો પણ સવાલ કર્યો કે “આ કઈ કંપનીઓ છે જેને તમે મફતમાં વીજળી આપો છો?” એક બાજુ વીજળી કંપનીઓએ સ્પેશિયલ ડ્રાઇવના નામે ગરીબોના ઘરના કનેક્શનનો કાપી નાખ્યા, પોલીસ મોકલી, તોડફોડ કરી, દાદાગીરી કરી અને પૈસા વસૂલવાનું કામ વીજળી કંપનીઓએ કર્યું. અરવિંદ કેજરીવાલજી જે કહેતા હતા તે આજે સાબિત થયું કે ગુજરાતની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની અને 5-25 મળતીયાઓની સરકાર છે અને ભાજપ સરકાર સામાન્ય માણસને કશું આપી શકે એમ નથી, આજે વિધાનસભામાં મારા પ્રશ્નથી સાબિત થયું.




