
ગાંધીનગર વિધાનસભામાં ચાલેલી પ્રશ્નોત્તરી મામલે મીડિયા સાથે વાત કરતાં આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ લાંબો દરિયાકાંઠો હોવાને કારણે આ વિસ્તારોમાં પવનચક્કીની કંપનીઓ કામ કરી રહી છે. આ પવનચક્કી દ્વારા ઉત્પન્ન થતી વીજળીને પરિવહન કરવા માટે કંપનીઓ દ્વારા હવે ખેડૂતોના ખેતરોમાં આડે-અવળે વીજ લાઈનોના ભારે ટાવરો નાખવામાં આવી રહ્યા છે. આ ટાવરો નાખવા માટે હાલમાં 1885નો ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, એટલે કે અંગ્રેજોના જમાનાનો બનાવેલો કાયદો અમલમાં છે. અંગ્રેજોએ તે સમયે નાની લાઈનો પસાર કરવા માટે જે કાયદો બનાવ્યો હતો, એ કાયદાની અંદર રહીને આજે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓ બેફામપણે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. આપણે ગર્વથી કહીએ છીએ કે સોલાર અને પવનચક્કી ઊર્જામાં ગુજરાત રાજ્ય નંબર વન છે, પરંતુ દુર્ભાગ્ય છે કે ગુજરાતમાં આ માટે કોઈ નક્કર કાયદા નથી. આપણો દેશ આજે સ્વતંત્ર થયા પછી પણ ઘણા વર્ષો વીતી ગયા, છતાં હજુ સુધી અંગ્રેજોએ બનાવેલા કાયદા મુજબ જ ખેડૂતો પર દમન કરવામાં આવી રહ્યું છે.
હેમંત ખવાએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિધાનસભા ગૃહમાં ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ અને મહેસૂલ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન મેં મારા વિચારો રજૂ કર્યા અને સરકારનું ધ્યાન દોર્યું કે વહેલી તકે આ બાબતે કોઈ નક્કર કાયદો બનાવવામાં આવે. અંગ્રેજોએ પણ જે કાયદો બનાવ્યો હતો તેમાં એક પ્રાવધાન હતું કે શક્ય હોય ત્યાં સુધી આવી વીજ લાઈનો બિનઉપજાઉ જમીન અથવા સરકારી પડતર જમીનમાંથી પસાર કરવી. પરંતુ હાલમાં અંગ્રેજોના સીધીલીટીના વારસદારો દ્વારા તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામપણે ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે. હાલમાં મોટા પ્રમાણમાં ખેડૂતોની ખેતીની જમીનમાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે.આ મુદ્દે આજે મેં વિધાનસભા ગૃહ સમક્ષ માંગણી કરી કે આવી વીજ લાઈનો એવા રૂટ પરથી પસાર કરવામાં આવે જ્યાં ખેડૂતોના ખેતરો ન હોય અને બિનઉપજાઉ જમીન હોય.હાલમાં ખેડૂતોને જે વળતર આપવામાં આવે છે તે પણ માત્ર ટાવરના ચાર પાયા વચ્ચે આવતી જમીન માટે જ ચૂકવવામાં આવે છે. જ્યારે વાસ્તવમાં વીજ ટાવર ખેડૂતોના ખેતરમાં આવવાથી આખી ખેતીની જમીનની કિંમત ઘટી જાય છે.તેથી સમગ્ર જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરીને ખેડૂતને બજારભાવ મુજબ જેટલું વળતર મળવું જોઈએ તે માટે નક્કર કાયદો બનાવવામાં આવે તેવી માંગણી આજે ગૃહ સમક્ષ રજૂ કરી છે.




