
આજે આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતની જનતા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 3 સીટો પર જીત મેળવી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આજે હું ગુજરાતની જનતાને ફરી એકવાર અભિનંદન આપવા માંગુ છું કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 8 સીટો પર પેટા ચૂંટણી થઈ અને આ 8માંથી 3 સીટો પર આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે. બિલોઠી તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટી જીતી છે. આ સિવાય દેવગઢ બારીયાના નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. બીજી સીટો પર આમ આદમી પાર્ટી ખૂબ જ ઓછા માર્જિનથી હારી છે. એ વાતનું પ્રમાણ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લોકોની પસંદગીની પાર્ટી બની રહી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સતત લોકોના મુદ્દાઓ ઉપાડી રહી છે અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે. આગામી સમયમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મજબૂત વિકલ્પના રૂપમાં સ્વીકારશે એ નક્કી છે. ગુજરાતના એવા લોકો જે આમ આદમી પાર્ટીને ચાહે છે અને આમ આદમી પાર્ટીના સમર્થક છે અને જેઓ ઈચ્છે છે કે ગુજરાતમાં એક વૈકલ્પિક રાજનીતિની જીત થાય અને એક વૈકલ્પિક રાજનીતિ આવે અને એની સામે તાનાશાહી વ્યવસ્થા છે એ હારે, આવું ઇચ્છનાર તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અને વિજેતા ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે તમામ ઉમેદવારોએ મજબૂતીથી ચૂંટણી લડી છે એ તમામને પણ હું અભિનંદન પાઠવું છું.




