
ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભાની પ્રશ્નોતરી મામલે વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓએ ગૃહની અંદર પોતાના ઠપકા પડેલા મુદ્દાઓ છુપાવવા માટે કેશુભાઈ પટેલની ઓથ લેવી પડી છે. જે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અમારા પૂજ્ય બાપા કહી શકાય, વડીલ કહી શકાય, તેવા કેશુભાઈ પટેલને અપમાનિત કરીને અને સત્તામાંથી હટાવવાનું પાપ ભાજપના નેતાઓએ કર્યું હતું. જે કેશુભાઈ પટેલ રાજનીતિમાંથી બહાર નીકળી ગયા પછી અને આ દુનિયામાંથી વિદાય લીધા પછી એક પણ વખત તેમના નામે ભાજપે કોઈ યોજના શરૂ કરી નથી. કેશુભાઈનું કોઈ પુતળું પણ મૂક્યું નથી, તેમના નામનો ઉલ્લેખ પણ ભાગ્યે જ થાય છે અને ભાજપના કાર્યાલયોમાં પણ તેમનો ફોટો મૂકવામાં આવતો નથી. એવા કેશુભાઈ પટેલની ઓથ આજે ભાજપના નેતાઓએ લેવી પડી છે. કેશુભાઈનો શરણ લેવુ પડ્યુ, કેશુભાઈના પગ પકડવા પડ્યા અને કેશુભાઈની સરકાર સારી સરકાર હતી એવું આજે ગુજરાતના ભાજપના નેતાઓએ ગૃહની અંદર કબૂલવું પડ્યું.
મને ગર્વ છે કે ભાજપના નેતાઓએ આ વાત કબૂલવી પડી અને તે ઘટનાનો નિમિત્ત હું બન્યો. વિધાનસભાની અંદર મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો હતો. સામાન્ય રીતે સવારે એક કલાક પ્રશ્નકાળ હોય છે. આ પ્રશ્નકાળમાં ગુજરાતના વિવિધ ધારાસભ્યો પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અંગે મંત્રીઓને પ્રશ્નો પૂછે છે, તેથી પ્રશ્નકાળ રાખવામાં આવે છે. પરંતુ આ પ્રશ્નકાળ દરમિયાન ઘણી વખત તમામ પક્ષોના નેતાઓ દ્વારા ટીકા-ટિપ્પણીઓ, રાજકીય અવલોકનો, અને કટાક્ષ કરવામાં સમય પસાર થતો હોય છે. તેથી મેં આજે પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કરીને અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું કે તમામ પક્ષોના સભ્યો ગૃહમાં હાજર છે, તેથી અધ્યક્ષએ એવો આદેશ કરવો જોઈએ કે જ્યારે કોઈ સભ્ય પ્રશ્ન પૂછવા ઊભો થાય ત્યારે પ્રશ્ન સિવાયની અન્ય કોઈ વાત ન કરે. સરકારનો આભાર પણ ન માને અને સરકારની ટીકા પણ ન કરે. આવો આદેશ અધ્યક્ષ કરે તે માટે મેં પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો હતો. મારા પોઈન્ટ ઓફ ઓર્ડરમાં મેં કોઈ પણ પ્રકારનું રાજકીય અવલોકન કર્યું નહોતું અને કોઈ પણ પક્ષની ટીકા કરી નહોતી. તેમ છતાં મારી સામે સરકારના અનેક મંત્રીઓ ઊભા થઈને મારા ઉપર વ્યક્તિગત આક્ષેપો કર્યા, વ્યક્તિગત રીતે મારી ટીકા કરી અને મારી સાથે તુકારો કર્યો. ગુજરાતના ગૃહમંત્રીએ તો મારી સાથે તુકારો કરીને મને “તું ચુપ થઈ જા” એવી ભાષા પણ વાપરી.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમ છતાં હું એમનાથી ડર્યા વગર એમના તમામ આક્ષેપોનો સામનો કર્યો અને અંતે ભાજપના તમામ નેતાઓને કેશુભાઈ પટેલના પગ પકડવા પડ્યા અને એમની સરકાર સારી સરકાર હતી એવું કબૂલવું પડ્યું. આજે હું ભાજપના તમામ મિત્રોનું ધ્યાન દોરવા માંગું છું કે કેશુભાઈ પટેલ ગુજરાતના આજ સુધીના સૌથી લોકપ્રિય ખેડૂત નેતા હતા, છે અને રહેશે. ભાજપના નેતાઓને હજુ પણ થોડું ઘણું લાજ-શરમ હોય અને આજે કેશુભાઈના નામથી જો તેમને શરમ આવે છે, તો ઓછામાં ઓછું ગાંધીનગરના કોબા સ્થિત ભાજપ કાર્યાલયમાં કેશુભાઈ પટેલનો મોટો પૂર્ણાકૃતિ ફોટો મૂકવો જોઈએ એવી મારી માંગ છે.




