
સલમાનના વિવાદિત રન આઉટ અંગે કૈફનું મોટું નિવેદન.વર્લ્ડ કપ દાવ પર હોય તો પણ આવું ન કરો: મોહમ્મદ કૈફ.સલમાન આગા ૬૪ રન બનાવીને આઉટ થયા બાદ પાકિસ્તાની ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી.પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં પાકિસ્તાની બેટર સલમાન અલી આગાના રન-આઉટને લઈને ક્રિકેટ જગતમાં મોટો વિવાદ છેડાયો છે. ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે આ ઘટનાને ‘રમતની ભાવના’ વિરુદ્ધ ગણાવી બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝની આકરી ટીકા કરી છે.પાકિસ્તાની ઇનિંગની ૩૯મી ઓવર દરમિયાન આ અજીબોગરીબ ઘટના બની હતી. બાંગ્લાદેશી કેપ્ટન મેહદી હસન મિરાઝ બોલિંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઈક પર રહેલા મોહમ્મદ રિઝવાને સીધો શોટ રમ્યો, જે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા સલમાન આગાને વાગ્યો હતો.બોલ રોકવાના પ્રયાસમાં બોલર મેહદી હસન અને સલમાન આગા વચ્ચે ટક્કર થઈ હતી.
આ ટક્કરને કારણે સલમાન ક્રીઝની બહાર રહી ગયો હતો. તકનો લાભ ઉઠાવી મેહદીએ બોલ ઉપાડીને તરત જ રન-આઉટની અપીલ કરી દીધી. સલમાને દલીલ કરી હતી કે ટક્કરને કારણે તે ક્રીઝમાં પહોંચી શક્યો નહોતો, પરંતુ બાંગ્લાદેશે અપીલ પાછી ખેંચી નહીં અને ત્રીજા અમ્પાયરે નિયમ મુજબ તેને આઉટ જાહેર કર્યાે.આ રન-આઉટથી નારાજ મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી કેપ્ટન પર નિશાન સાધ્યું છે. તેણે લખ્યું કે, ‘આ બિલકુલ યોગ્ય નથી. વિકેટની ગમે તેટલી જરૂર હોય, પણ આવા રન-આઉટને ક્યારેય વાજબી ઠેરવી શકાય નહીં. યુવા ખેલાડીઓએ ખાસ યાદ રાખવું જાેઈએ કે ભલે વર્લ્ડ કપ દાવ પર હોય, પણ ક્યારેય મેહદી હસને જે કર્યું તે ન કરવું જાેઈએ. નિષ્પક્ષ રમત વિના, રમત રમત નથી રહેતી.’સલમાન આગા ૬૪ રન બનાવીને આઉટ થયા બાદ પાકિસ્તાની ઇનિંગ વેરવિખેર થઈ ગઈ હતી. પાકિસ્તાને માઝ સદકતના ૭૫ રનની મદદથી ૨૭૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જાેકે, જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર ૧૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાને ૧૨૮ રનથી ભવ્ય જીત મેળવી સીરિઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. હવે જાેવાનું એ રહેશે કે આગામી મેચમાં આ વિવાદની અસર જાેવા મળે છે કે કેમ.




