
૨૫ દિવસથી પાણી બંધ રહેતા પાકને નુકસાન.૨૫ દિવસથી પાણી બંધ રહેતા પાકને નુકસાન.ખેડૂતોની એક જ માગ છે કે, તેમની માગ મુજબ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે.બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન ફરી એકવાર ગંભીર બન્યો છે. દાંતીવાડા ડેમમાંથી પૂરતું પાણી ન મળતા આજે ૧૫ ગામના ખેડૂતોએ રોષે ભરાઈને દાંતીવાડા સિંચાઈ વિભાગની ગઢ સ્થિત પેટા કચેરી ખાતે ધરણા યોજ્યા હતા. ખેડૂતોની એક જ માગ છે કે, તેમની માગ મુજબ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા કેનાલમાં ગાબડું પડવાના કારણે સમારકામ માટે ૨૫ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. આ લાંબા વિરામ બાદ જ્યારે પાણી ફરી શરૂ કરવામાં આવ્યું, ત્યારે ખેડૂતોને આશા હતી કે તેમને પૂરતું પાણી મળશે. જાેકે, જરૂરિયાત મુજબ પાણી ન મળતા ઉનાળુ સિઝનની શરૂઆતમાં જ ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, તૈયાર પાકને પાણી ન મળવાથી મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગઢ ખાતે એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, જાે આગામી દિવસોમાં કેનાલમાં પાણીનો પ્રવાહ વધારવામાં નહીં આવે, તો તેમનો ઉનાળુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જશે. સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવતું અપૂરતું પાણી ખેતી માટે અપૂરતું છે.
આ મામલે ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી છે. જાે માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




