
હોર્મુઝ નહીં ખૂલે ત્યાં સુધી હુમલા કરતાં રહીશું : ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો- ઈરાને સીઝફાયરની માંગ કરી આ પહેલા ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખૂલે કે ન ખૂલે અમેરિકા ત્યાંના યુદ્ધમાંથી નીકળી જશે તેવું નિવેદન આપ્યું હતું અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે ઈરાનના સુપ્રીમ લીડર તેમના પુરોગામી(આયતુલ્લા અલી ખામેનેઈ) કરતા ઘણા ઓછા કટ્ટરપંથી અને ઘણા વધુ બુદ્ધિશાળી છે. તેમણે હમણાં જ અમેરિકા પાસે યુદ્ધવિરામ(સીઝ ફાયર)ની વિનંતી કરી છે. અમે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જાય, મુક્ત થાય અને સુરક્ષિત થાય તે પછી જ આ અંગે વિચાર કરીશું. ત્યાં સુધી અમે ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી દઈશું અથવા તો એમ કહી શકાય કે તેને પાષાણ યુગમાં પાછું મોકલી દઈશું. મહત્વનું છે કે આ પહેલા ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખૂલે કે ન ખૂલે અમેરિકા ત્યાંના યુદ્ધમાંથી નીકળી જશે તેવું નિવેદન આપ્યું હતું, જેની દુનિયાભરમાં ખૂબ આલોચના થઈ હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ઈરાનના નવા સુપ્રીમ લીડર ઓછા કટ્ટરપંથી અને હોંશિયાર છે. તેમણે અમેરિકા સમક્ષ સીઝફાયરની માંગ કરી છે. પણ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલશે પછી જ અમે આ માંગ પર વિચાર કરીશું. જાે હોર્મુઝ નહીં ખુલે તો અમે ઈરાનને પૂરેપૂરું તબાહ કરી દઈશું અથવા તેને પાષાણ યુગમાં પાછું મોકલી દઈશું.
આ અગાઉ મંગળવારે ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાંથી બહાર નીકળી જશે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખએ કહ્યું, મારે બસ ઈરાનમાંથી નીકળવું છે અને અમે ખૂબ જ જલ્દી એવું કરીશું. ત્યારબાદ તેઓનું પોતાના હાથે જ પતન થશે. આજે શેરબજાર લગભગ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, કારણ કે તેમને બે બાબતોની ખબર છે. પહેલી- આપણો દેશ સુરક્ષિત છે. બીજી કે અમારે થોડો રસ્તો બદલવો પડ્યો, કારણ કે અમારી પાસે ખામેનેઈ નામની એક પાગલ વ્યક્તિ હતી, જે હવે આપણી વચ્ચે નથી. અમે અગાઉ શાસન પરિવર્તન કરી લીધું છે. અમે એક શાસનને હટાવ્યું. પછી બીજાને હટાવ્યું. હવે અમારી પાસે એવા લોકોનું જૂથ છે, જે ખૂબ અલગ છે. જેઓ વધુ સંપર્ક કરી શકાય તેવા છે.
મહત્વનું છે કે આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કોઈ પણ સમજૂતી વિના પણ ત્યાંથી નીકળી જશે. તેમણે કહ્યું, ના.. તેમને મારી સાથે સમજૂતી કરવાની જરૂર નથી. જ્યારે અમને લાગશે કે તેમને લાંબા સમય માટે પાષાણ યુગમાં પહોંચાડી દેવામાં આવ્યા છે અને તેઓ પરમાણુ હથિયાર નહીં બનાવી શકે, ત્યારે અમે ત્યાંથી નીકળી જઈશું. સમજૂતી થાય કે ન થાય, તેનાથી ફરક પડતો નથી. જાે કે, શક્યતા છે કે સમજૂતી થઈ જશે, કારણ કે તેઓ સમજૂતી કરવા માંગે છે. તેઓ મારા કરતા વધુ સમજૂતી કરવા માંગે છે. પરંતુ, ટૂંક સમયમાં આ બધું ખતમ થઈ જશે. તેઓ ઘણા વર્ષો સુધી પરમાણુ હથિયાર નહીં બનાવી શકે.




