
ઈરાન યુદ્ધ અટકતા જ બે દેશો વચ્ચે વધ્યો તણાવ કિમ જાેંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ જાપાનના ક્ષેત્રમાં મિસાઇલ ન પડી હોવા છતાં તંત્ર સાવધ જાપાનના પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે એટલે કે ૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અચાનક ઈમરજન્સી ઍલર્ટ જાહેર કર્યું છે. આ ઍલર્ટ મુજબ, નોર્થ કોરિયાએ એક બેલેસ્ટિક મિસાઇલ દાગી છે, જેના પગલે જાપાન સરકાર તરત જ હરકતમાં આવી ગઈ છે અને તમામ સંબંધિત વિભાગોને એક્ટિવ કરી દેવામાં આવ્યા છે. જાપાનની સરકાર હાલમાં આ મિસાઇલની દિશા, ઊંચાઈ અને અંતરની માહિતી એકઠી કરી રહી છે. જાેકે, હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
જાપાન નોર્થ કોરિયાની આવી પ્રવૃત્તિઓને ખૂબ જ ગંભીરતાથી લે છે. જ્યારે પણ નોર્થ કોરિયા મિસાઇલ પરીક્ષણ કરે છે, ત્યારે જાપાનનું ક્રાઈસિસ મેનેજમેન્ટ યુનિટ રિયલ-ટાઇમ માહિતી એકઠી કરવાનું શરૂ કરી દે છે. આ વખતે પણ મિસાઇલ લોન્ચ થયા બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ મિસાઇલ જાપાનના ક્ષેત્રમાં નથી પડી, તેમ છતાં જાપાનના પ્રધાનમંત્રીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે જનતા સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવામાં આવે.
નોર્થ કોરિયાના નેતા કિમ જાેંગ ઉન પોતાની સૈન્ય તાકાત બતાવવા અને પાડોશી દેશો તેમજ અમેરિકાને ચેતવણી આપવા માટે વારંવાર આવા પરીક્ષણો કરે છે. ખાસ કરીને સાઉથ કોરિયા અને અમેરિકાના સૈન્ય અભ્યાસના જવાબમાં નોર્થ કોરિયા નાની દૂરીની બેલેસ્ટિક મિસાઇલ, હાઇપરસોનિક મિસાઇલ અને રોકેટ લોન્ચરનું પરીક્ષણ કરતું રહે છે.
મોટાભાગની મિસાઇલ પૂર્વી સમુદ્ર(સી ઓફ જાપાન)માં ફેંકવામાં આવે છે, જે જાપાન અને સાઉથ કોરિયા માટે ચિંતાનો વિષય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નોર્થ કોરિયા પર પરમાણુ અને મિસાઇલ પરીક્ષણો પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, તે સતત આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે.




