
છેલ્લા ચાર વર્ષથી બંને ઇંધણના ભાવ સ્થિર રહ્યાં પેટ્રોલ પર રૂ.૨૦, ડીઝલમાં ૧૦૦નું નુકસાન, છતાં ભાવ વધશે નહીં
ચૂંટણી પૂરી થયા બાદ બન્ને ઇંધણના ભાવમાં વધારો કરશે એવી અફવાનું સરકારે ખંડન કર્યું સરકારની માલિકીની ઓઇલ કંપનીઓ પેટ્રોલ પર લિટર દીઠ રૂ. ૨૦નું અને ડીઝલ પર લિટર દીઠ રૂ. ૧૦૦નું નુકસાન કરી રહી છે, તે ઉપરાંત પશ્ચિમ એશિયાના યુદ્ધની સ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવોમાં તોતિંગ વધારો થયો છે તેમછતાં છેલ્લા ચાર વર્ષથી આ બંને ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે એમ કહી કેન્દ્ર સરકારે ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે હાલ સરકાર આ ઇંધણના ભાવોમાં વધારો કરવા સહેજ પણ વિચારતી નથી.હાલમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાંની સાથે જ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લિટર દીઠ રૂ. ૨૫થી રૂ. ૨૮નો વધારો પ્રજાના માથે ઝીંકશે એવી અફવાનું ખંડન કરતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક્સ ઉપર અપલોડ કરેલી એક પોસ્ટમાં કહ્યું હતું કે પેટ્રોલ કે ડીઝલનો ભાવવધારો કરવાની સરકારની કોઇ યોજના નથી.
પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે જાણ કરવા માટે યોજાયેલી એક પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ મંત્રાલયના જાેઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનિજતેલ અને કુદરતી ગેસના ભાવોમાં ભારે અફડાતફડી જાેવા મળી રહી છે તેમ છતાં સરકારે કોઇ ભાવવધારો કર્યાે નથી. યુદ્ધ પહેલાં ક્રુડ ઓઇલના બેરલદીઠ ભાવ ૭૦ ડોલર હતા જે માર્ચમાં વધીને ૧૧૩ ડોલરે પહોંચી ગયા હતા. જે ખૂબ મોટો વધારો હતો, તેમ છતાં સરકારે ભાવવધારો કર્યાે નથી, ઉલ્ટાનું આ જરૂરી ઇંધણના ભાવ સ્થિર રહે તે માટે સરકારે તમામ પ્રયાસો હાથ ધર્યા છે એમ શર્માએ ઉમેર્યું હતું. એપ્રિલ-૨૦૨૨થી આજદિન સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવો સ્થિર રહ્યા છે. એ સમયે કેટલાંક સમય સુધી ક્રુડ ઓઇલના ભાવ વધ્યા હતા અને કેટલાંક સમય દરમ્યાન ભાવ ઘટ્યા પણ હતા. જ્યારે ભાવો ખુબ નીચા સ્તરે પહોંચ્યા હતા ત્યારે ઓઇલ કંપનીઓએ તગડો નફો ગાંઠે બાંધી લીધો છે અને હવે જ્યારે ભાવોમાં વધારો થયો છે ત્યારે ગાંઠે બાંધેલા નફામાંથી હાલના નુકસાનને સરભર કરી રહી છે એમ શર્માએ કહ્યું હતું.



