
હનુમાન ગાયબ હોવાથી લોકોને અચરજ નવેમ્બરમાં દિવાળીના તહેવારમાં ‘રામાયણ’ ભાગ એક રજૂ થવા સાથે તેના નિર્માતા-ર્નિદેશકની દર્શકોની નજરે અગ્નિ પરીક્ષા થશે
‘રામાયણ ભાગ એક’નું ટ્રેલર આખરે મોડે મોડે આજે વહેલી સવારે રજૂ થતાં જ તેના ઓનલાઇન રિવ્યુ શરૂ થઇ ગયા છે. આ રીવ્યુઝ અનુસાર રણબીર કપૂર રામને બદલે રણબીર કપૂર જ વધારે લાગે છે. જ્યારે સીતાના પાત્રમાં સાઇ પલ્લવી ફિક્કી પડી છે. નેટ યૂઝર્સએ તો સાઈ પલ્લવી સાથે બેકગ્રાઉન્ડમાં દેખાતી એક આર્ટિસ્ટ યુવતી વધારે બ્યુટીફૂલ છે અને તેને સીતા બનાવવા જેવી હતી તેવો ચુકાદો પણ આપી દીધો હતો. જ્યારે લંકેશ તરીકે રાવણના પાત્રમાં યશ છવાઇ જાય છે પણ તેનો અવાજ તેની ભૂમિકાની સરખામણીમાં નબળો લાગે છે. સૌથી મોટું અચરજ આ ટ્રેલરનું એ છે કે તેમાંથી હનુમાન યાને સની દેઓલ ગાયબ છે. રાવણને બાદ કરતાં રામ અને સીતાના સંવાદો લાગણીહીન લાગે છે. રકુલ પ્રીત સિંહ શૂર્પણખાના પાત્રમાં રીતસર ચમકે છે. વાસ્તવમાં આજે અનેક નેટીઝન્સએ રકુલ પ્રીતના લૂકસની પ્રશંસા કરી હતી. ઐરાવત અને ઇન્દ્રની લડાઇના દિલધડક દૃશ્યો જાેતાં દર્શકોના જીવ અદ્ધર થઇ જાય છે. રામાયણના ચાર મિનિટ દસ સેકન્ડના ટ્રેલરમાં ફિલ્મના સ્કેલનો અંદાજ આપવામાં ફિલ્મમેકર્સ સફળ થયા છે. દર્શકોને આશા છે કે ફિલ્મમાં ટ્રેલર કરતાં ઘણું વધારે જાેવા મળશે. ટ્રેલર જાેતાં એવું લાગે છે કે ‘બાહુબલિ’ બાદ પહેલીવાર વિરાટ સ્કેલ પર મહાકાવ્ય રજૂ થઇ રહ્યું છે. નવેમ્બરમાં દિવાળીના તહેવારમાં ‘રામાયણ’ ભાગ એક રજૂ થવા સાથે તેના નિર્માતા-ર્નિદેશકની દર્શકોની નજરે અગ્નિ પરીક્ષા થશે એ નક્કી છે.




