
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું.કેન્દ્ર સરકાર ઓપરેશન લોટસ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બે તૃતિયાંશ (૨/૩) સભ્યો સાથે રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જાેડાવવાની જાહેરાત કરી છે. તે બાદ દિલ્હી, પંજાબ સહિત દેશના રાજકારણમાં ફરી ગરમાવો વધી ગયો છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
બીજી તરફ દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને તેના ટોચના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઓપરેશન લોટસ દ્વારા પંજાબ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓપરેશન લોટસ ખરેખર હલકી રાજનીતિનું એક ઉદાહરણ છે. તે માત્ર સત્તા કબજે કરવાનો પ્રયાસ નથી, પરંતુ પંજાબમાં ચાલી રહેલા જનહિતના કાર્યોને રોકવાનું એક ષડયંત્ર છે.
આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાત સાંસદોને તોડીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. પંજાબની જનતાએ આ નામો યાદ રાખવા જાેઈએ, કારણ કે આ લોકોએ ગદ્દારી કરી છે. આ સંદર્ભમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, અશોક મિત્તલ, સ્વાતિ માલીવાલ અને હરભજન સિંહ જેવા નામોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જનતાએ આ તમામને સામાન્ય સ્તરેથી ઉઠાવીને સંસદ સુધી પહોંચાડ્યા, પરંતુ હવે તેઓએ જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. સંજય સિંહે કહ્યું કે આ નેતાઓએ પંજાબની જનતાની પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું છે અને રાજ્ય સાથે ગદ્દારી કરી છે. તેમના મતે, જનતા આ વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે થોડા દિવસો પહેલા અશોક મિત્તલ પર EDની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓ એકબીજા સાથે જાેડાયેલી છે.



