
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો સુકાયેલી મગફળી અને કપાસ સહિતનો પાક લઈને વિધાનસભા પહોંચ્યા હતા, પરંતુ અંદર જઈ રહેલા ધારાસભ્યોને પોલીસે રોક્યા હતા. ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ની આગેવાની કરી રહેલા ઈસુદાન ગઢવીની સાથે AAP ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી અને AAP પ્રદેશ સંગઠન મંત્રી તેમજ પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે ખેડૂતોનો અવાજ બનીને દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી ઉઠાવી હતી. આ તકે મીડિયા સાથે વાત કરતા ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન હોવાથી કપાસ અને મગફળી સહિતના તમામ પાક સુકાઈ રહ્યા છે.
’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે ખેડૂતોએ બિયારણ, દવા, ખાતર અને યાંત્રિક સાધનો પાછળ જાત મહેનત કરીને જે પણ ખર્ચા કર્યા હતા, એ તમામ વસ્તુઓ પાણી વગર નિષ્ફળ ગઈ છે. ઈસુદાનભાઈના નેતૃત્વમાં અમે ખંભાળિયામાં પાંચ દિવસ સુધી ‘દુષ્કાળ જાહેર કરો સત્યાગ્રહ’ કર્યો હતો, હજારો ખેડૂતો આવ્યા અને માંગણી કરી કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો,મજૂરી કરતા લોકો અને પશુપાલન કરતા માલધારીઓને સહાય આપો, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. પાણીના અભાવે અત્યારે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે, ત્યારે આ વિધાનસભા સત્રના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે દુષ્કાળ જાહેર કરવામાં આવે અને ખેડૂતો, ખેતમજૂરો તથા પશુપાલક-માલધારીઓને તાત્કાલિક સહાય આપી ન્યાય આપવામાં આવે.




