
ભારત સાથે સોદો કરવો ઘણું પડકારજનક વેપાર કરાર અંગે ભારત-અમેરિકાની મંત્રણા હકારાત્મક: વાણિજ્ય મંત્રાલય ૨૦-૨૨ એપ્રિલ દરમિયાન યોજાયેલી આ બેઠકમાં ભારત સરકારના આશરે ડઝનેક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ભારત અને અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં યોજાયેલી દ્વિપક્ષીય વેપાર અંગેની મંત્રણા હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે.
દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાની વિગતોને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશોએ આગામી સમયમાં વધુ બેઠકો યોજવા અંગે પણ સહમતી દાખવી હતી. ૨૦-૨૨ એપ્રિલ દરમિયાન યોજાયેલી આ બેઠકમાં ભારત સરકારના આશરે ડઝનેક પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મંત્રણા દરમિયાન બંને દેશોને એકબીજાના બજારમાં પ્રવેશના મુદ્દા ઉપરાંત ટેરિફ સિવાયના પગલાં, વેપારમાં નડતાં ટેકનિકલ અવરોધો, કસ્ટમ અને વેપારની સુવિધા, રોકાણને પ્રોત્સાહન, આર્થિક સુરક્ષા તથા ડિજિટલ ટ્રેડ સહિતની બાબતો પર વ્યાપક ચર્ચા થઈ હતી. મંત્રણા અંગે પ્રતિક્રિયા આપતાં અમેરિકાના ટ્રેડ પ્રતિનિધિ જેમિસન ગ્રીઅરે જણાવ્યું હતું કે, ભારત સાથે સોદો કરવો ઘણું પડકારજનક છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે અત્યંત હકારાત્મક અને અર્થપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થઈ હતી.બંને દેશો આ મંત્રણા ચાલુ રાખવા માટે સહમત થયાં છે. અમેરિકા અને ભારતે ગત ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાનું માળખું નક્કી થયાની જાહેરાત કરી હતી. આ માળખાં હેઠળ અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવા સહમતિ દાખવી હતી. જાેકે અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના આદેશ વિરુદ્ધ આપેલાં ચુકાદાને પગલે અમેરિકામાં ટેરિફનું ગણિત સમૂળગું બદલાઈ ગયું હતું.



