
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતમાં ગરીબો માટે શિક્ષણ મેળવવું અઘરું બની રહ્યું છે તેનું કારણ નીતિ આધારિત અસમાનતાઓ. એક તરફ સરકારી સંસ્થાઓનું ભંડોળ ઓછું કરી દેવાયું છે અને બીજી તરફ ખાનગી શિક્ષણનો ઊંચો ખર્ચ અને કોચિંગ સેન્ટરોની મોંઘીદાટ ફી ગરીબ પરિવારોને પરવડે તેમ નથી. ઉપરાંત શિક્ષણ સામાજિક સ્થિરતા લાવી શકે છે તેવો તેમનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે.
ત્યારે યાદ કરીએ નહેરુ યુગ, નહેરુના સમયમાં ભારતમાં ગરીબો શિક્ષણને મહાન સ્તરીકરણ માનીને એક સરળ ક્રાંતિકારી વિચારમાં વિશ્વાસ રાખતા હતા. “પઢ જાયેંગે તો બઢ જાયેંગે” (“ભણીશું તો આગળ વધીશું”) તેમના માટે શિક્ષણ જાતિ, ગરીબી, જન્મના વારસાગત ગેરફાયદામાંથી બહાર નીકળવાનો માર્ગ હતો. ભારતના બંધારણમાં પણ ગરીબ અને વંચિત નાગરિકો માટે શિક્ષણને વચન તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. એક સમયે જાહેર યુનિવર્સિટીઓ,IITS,IIMS,સરકારી મેડિકલ કોલેજો ફક્ત સંસ્થાઓ ન હોતી. તે સામાજિક ગતિશીલતાની ભૌતિક રચના હતી. પરંતુ નીતિગત વલણના પરિણામે આજે ભારતના ગરીબ અને વંચિત લોકોનો
શિક્ષણમાં જે વિશ્વાસ હતો તે ડગમગી રહ્યો છે.
બે દાયકા પહેલા શિક્ષણના ખાનગીકરણના વ્યાપમાં જે વધારો થયો હતો તેને ભાજપના ૧૨ વર્ષના શાસનમાં જાણી જોઈને વેગ આપવામાં આવ્યો છે. વ્યુહરચના એ રીતે કરવામાં આવી કે શિક્ષણ ગરીબોની પહોંચથી દૂર થઈ જાય. એક સ્થિર પગાર સાથે શિક્ષણનો અતિ મોંઘો ખર્ચ આજે માણસને વધારે ને વધારે ગરીબ બનાવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં ખાનગી મૂડીનો પ્રવેશ ૧૯૯૦ ના દાયકાના અંતમાં શરૂ થયો અને ૨૦૦૦ના દાયકા સુધીમાં તો તેમાં વેગ આવી ગયો. ગણતરી એવી હતી કે, ખાનગી મૂડીના પ્રવાહથી શિક્ષણમાં વધુ સારી ગુણવત્તા મળશે પરંતુ છેલ્લા ત્રણ દાયકામાં તે ગણતરી તદ્દન મૂર્ખામીભરી સાબિત થઈ છે.



