
WHO નો ચોંકાવનારો રિપોર્ટ દુનિયામાં દર ૮માંથી ૧ વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર વિશ્વભરમાં ૧ અબજથી વધુ લોકો ડિપ્રેશન અને ચિંતાના ભોગ બન્યા, યુવાનો સૌથી વધુ પ્રભાવિત આજે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્યનું સંકટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જે એક મોટી ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હાલમાં દુનિયામાં દર ૮માંથી ૧ વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની માનસિક બીમારી અથવા વિકૃતિનો સામનો કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે યોજાયેલી ૭૯મી ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’માં માનસિક સ્વાસ્થ્યને સૌથી મહત્વના મુદ્દા તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ૧ અબજથી વધુ લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે, જેમાં સૌથી વધુ ભોગ આપણા યુવાનો બની રહ્યા છે.આ રિપોર્ટમાં એક કડવું સત્ય પણ સામે આવ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય એ દુનિયાની સૌથી વધુ ઉપેક્ષિત હેલ્થ કટોકટી છે. દુનિયાભરની સરકારો તેમના કુલ આરોગ્ય (હેલ્થ) બજેટના સરેરાશ માત્ર ૨% જેટલો જ નજીવો હિસ્સો માનસિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરે છે. આંકડા જાેઈએ તો, પુરુષોમાં આત્મહત્યાના કિસ્સા વધારે જાેવા મળે છે, જ્યારે મહિલાઓમાં ચિંતા (એન્ઝાઈટી) અને હતાશા (ડિપ્રેશન) ની સમસ્યા બહુ ઝડપથી વધી રહી છે.માનસિક વિકાર શું છે અને તેના પ્રકારોહાલમાં ડિપ્રેશન અને એન્ઝાઈટી સૌથી સામાન્ય બીમારીઓ બની ગઈ છે. WHO ના મતે, દુનિયામાં સૌથી વધુ ૧૫.૬% માનસિક બીમારીઓ અમેરિકાના વિસ્તારોમાં છે, ત્યારબાદ યુરોપમાં ૧૪.૨% અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ૧૩.૨% કેસ છે. કોવિડ-૧૯ મહામારી પછી આ કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને તે દુનિયાભરમાં અક્ષમતા (અપંગતા) નું એક મુખ્ય કારણ બની રહ્યું છે.આ સંકટનું સૌથી મોટું અને ડરામણું પાસું એ છે કે તેના કારણે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે. પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ મુજબ, દુનિયામાં દર વર્ષે આશરે ૭૪૦,૦૦૦ લોકો આત્મહત્યા કરે છે. આનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે દર ૪૩ સેકન્ડે ૧ વ્યક્તિ પોતાનો જીવ ટૂંકાવી લે છે. આજના સમયમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોના મોતમાં આત્મહત્યા એ ત્રીજું સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, પોર્ટુગલમાં એન્ઝાઈટીના સૌથી વધુ કેસ છે, જ્યારે સિરિયા ડિપ્રેશનના કેસોમાં સૌથી ટોચ પર છે.



