
ભારત સભ્ય નથી છતાં મીટિંગમાં થયું સામેલ.ટ્રમ્પના બોર્ડ ઓફ પીસની પહેલી બેઠક યોજાઈ.ગાઝામાં લાંબાગાળાની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળની રચના કરવામાં આવી.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝામાં શાંતિ અને પુન:નિર્માણ માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક ગુરુવારે યોજાઈ હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભારત એક સભ્ય દેશ તરીકે નહીં, પરંતુ ‘નિરીક્ષક’ દેશ તરીકે સામેલ થયું હતું. વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસના પ્રભારી રાજદ્વારી નામગ્યા ખમ્પાએ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટ્રમ્પની આ ૨૦ મુદ્દાની શાંતિ યોજનાનો હેતુ માત્ર ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપવાનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં વિશ્વભરના સંઘર્ષાેને ઉકેલવાનો પણ છે.ગાઝાના પુન:નિર્માણ માટે આર્થિક સહાયની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ખાસ બોર્ડ માટે ૧૦ અબજ અમેરિકન ડોલર ફાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમની આ પહેલને સમર્થન આપતા અન્ય નવ સભ્ય દેશોએ પણ ગાઝા રાહત પેકેજ માટે કુલ ૭ અબજ અમેરિકન ડોલર આપવાની સંમતિ આપી છે.
આ આર્થિક સંકલ્પમાં સંયુક્ત આરબ એમિરેટ્સ, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈત જેવા મહત્ત્વના દેશોએ પણ સક્રિય રીતે સાથ આપ્યો છે, જે આ ક્ષેત્રમાં સ્થિરતા અને શાંતિ સ્થાપવા માટેના વૈશ્વિક પ્રયાસોને વેગ આપશે.ગાઝામાં લાંબાગાળાની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળની રચના કરવામાં આવી છે. મેજર જનરલ જેસ્પર જેફર્સના જણાવ્યા અનુસાર, આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ કુલ ૨૦,૦૦૦ સૈનિકો અને ૧૨,૦૦૦ પોલીસકર્મીઓને ગાઝામાં તૈનાત કરવામાં આવશે, જેની શરૂઆત સૌથી પહેલા રાફા જેવા વ્યૂહાત્મક કેન્દ્રથી થશે. આ સુરક્ષા દળ માટે ઇન્ડોનેશિયા, મોરોક્કો, કઝાકિસ્તાન, કોસોવો અને અલ્બેનિયા જેવા દેશોએ પોતાના સૈનિકો મોકલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, આ સૈન્ય અને પોલીસ દળોને વ્યાવસાયિક તાલીમ આપવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી ઇજિપ્ત અને જાેર્ડન દ્વારા નિભાવવામાં આવશે, જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલને પ્રોત્સાહન આપતા કહ્યું કે, ખર્ચવામાં આવેલો દરેક ડોલર આ પ્રદેશમાં સ્થિરતા અને નવી આશાનું રોકાણ છે. આ ‘બોર્ડ ઓફ પીસ’માં આર્જેન્ટિના, આર્મેનિયા, પાકિસ્તાન અને હંગેરી સહિત કુલ ૨૭ દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પનો ઉદ્દેશ્ય ગાઝાને યુદ્ધની અસરોમાંથી બહાર લાવી ત્યાં સ્થાયી શાંતિ અને સમૃદ્ધિ સ્થાપિત કરવાનો છે.




