
આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોનું કાયમી ધોરણે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. મને એવી માહિતી મળી છે કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોને મળતું ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવ્યું નથી. એક તરફ નજીવું વેતન આપવામાં આવે છે, બીજી તરફ તેમની પાસેથી વધુ કામ લેવામાં આવે છે અને તેના બદલામાં યોગ્ય વેતન પણ આપવામાં આવતું નથી. એટલું જ નહીં, જે વેતન અને ઇન્સેન્ટિવ મળવું જોઈએ તે પણ સમયસર ચૂકવવામાં આવતું નથી. ત્રણ-ત્રણ અને ચાર-ચાર મહિનાથી તેમને વેતન અને ઇન્સેન્ટિવની ચુકવણી કરવામાં આવી નથી. પૈસા ચૂકવ્યા વિના તેમની પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે. આ આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો સાથે થઈ રહેલો મોટો અન્યાય હોવાનું મને લાગે છે.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે આ મુદ્દે આવતી કાલે સવારે 11 વાગ્યે ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે તમામ આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો એકત્રિત થશે અને માનનીય કલેક્ટરને આવેદનપત્ર આપશે. આ સમગ્ર પ્રશ્ન આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો સાથે સંબંધિત છે અને તેના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવશે. જો આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય આશા વર્કર બહેનોએ કર્યો છે. આ અંગેની જાણકારી આપવા અને પ્રશ્નોના નિરાકરણ માટે આવતી કાલે સવારે 11 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે તમામ આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો એકત્રિત થઈ આવેદનપત્ર આપશે. આ આવેદનપત્ર કાર્યક્રમમાં હું પણ હાજર રહીશ અને ગુજરાત રાજ્યની આશા વર્કર બહેનો તથા ફેસિલિટેટર બહેનોના પ્રશ્નોના નિરાકરણ માટે અવાજ ઉઠાવીશ.



