
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ટ્રાન્સમિશન લાઈનને લઈને સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તે પરિપત્ર ગુજરાતના ખેડૂતોની વિરુદ્ધમાં છે અને આ ફક્ત આક્ષેપ નથી. જેતપરના ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે. ખેડૂતોએ વિશાળ સંખ્યામાં પદયાત્રા કરીને કદાચ એક-બે દિવસ પહેલા કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને ગુજરાતના ખેડૂતોએ સ્વીકાર્યું છે કે આ પરિપત્ર ગુજરાતના ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીઓના હિતમાં છે. માટે જેતપરનું જે આંદોલન ચાલી રહ્યું છે એ યથાવત છે.
વધુમાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, અમારી સરકાર સમક્ષ માંગણી છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવે. બીજી એક બાબત એ પણ છે કે જે પણ ખેડૂતો કે ખેડૂત આગેવાનો આ લડત લડી રહ્યા છે એમના પર અને એમના વેપાર ધંધા પર સરકાર દ્વારા રેડ કરવામાં આવી રહી છે, જેનાથી સરકારનો હિટલરશાહી રવૈયો દેખાઈ રહ્યો છે. જેથી આ વાતને હું સખત શબ્દોમાં વખોડું છું. અને ગુજરાતના ખેડૂતોની જે માંગ છે અને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે એવી માંગ કરું છું.




