
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ દેશના યુવાનોને એક સલાહ આપી હતી કે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરવાથી શું સોલ્યુશન આવશે? આ અંગે જવાબ આપતાં તેમણે કહ્યું કે સોલ્યુશન શોધવા માટે જ તો દેશના કરોડો યુવાનો જંતર-મંતર પર એકઠા થયા છે. આદિત્યભાઈ પોતે તેમના ‘ખલાસી’ ગીતમાં ગાય છે કે “એવો હાર્દનો પ્રવાસી કોણ છે, એને ગોતી લ્યો”, તો આજે આ દેશના યુવાનો પોતે ખલાસી બનીને નીકળ્યા છે. દેશની શિક્ષણ વ્યવસ્થા અને લોકશાહીની નાવડી જ્યારે ડૂબવાની તૈયારીમાં છે, ત્યારે આ યુવાનો તેને બચાવવા અને પાટા પર લાવવા માટે ભેગા થયા છે. શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેનાથી પેપર લીક થતાં બંધ થાય કે ન થાય, પણ સિસ્ટમમાં જવાબદારી તો નક્કી થાય જ છે.https://www.facebook.com/share/v/1BXh4He6ZG/
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે જેમ કોઈ સોસાયટીમાં વારંવાર ચોરી થતી હોય તો ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જ જશે એવું નથી હોતું, પરંતુ આળસુ ચોકીદારને બદલીને જવાબદારી તો નક્કી કરવામાં આવે જ છે. એ જ રીતે દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો જવાબદાર વ્યક્તિને બદલવાની વાત યોગ્ય જ છે. આદિત્યભાઈ ખૂબ સારું ગાય છે અને અમે પણ તેમના ચાહક છીએ, પરંતુ જ્યારે યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર-મંતર પહોંચ્યા છે અને વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે તેમને નકામી સલાહની નહીં પણ સમર્થનની જરૂર છે. આ યુવાનો કોઈ સરકાર બદલવા નથી આવ્યા, પરંતુ સિસ્ટમની ખામી સ્વીકારવા, જવાબદાર માણસને બદલવા અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે પ્રયત્ન કરવાની માંગ કરી રહ્યા છે. અમે અને આખું ગુજરાત આ યુવાનોની માંગણી સાથે સતત ઊભા છીએ.




