
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે,આપણી બહુ સામાન્ય માંગણીઓ છે આપણને શું જોઈએ? આપણને બાળકો માટે સારું શિક્ષણ જોઈએ, યુવાનો માટે રોજગારી જોઈએ અને ખેતરમાં કે મહેનત કરીને પરિવારનું ભરણપોષણ કરી શકીએ તેવો સુરક્ષિત માહોલ જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે ગમે તે ભોગે, સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને અને અત્યાચાર કરીને પણ તેમને માત્ર ને માત્ર સત્તામાં બેસી રહેવું છે. આજે દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા યુવાનોએ મોદીજીની કિડની નથી માંગી, તેમણે તો માત્ર શિક્ષણ વ્યવસ્થા સુધરે તે માટે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ બહુ સામાન્ય માંગણી છે કે જો તમે નિષ્ફળ જાઓ તો તમારે જવાબદારી લેવી જ પડશે. છેલ્લા ૧૪ વર્ષથી ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર છે, છતાં અહીં ૩૫ જેટલાં પેપરો લીક થયાં છે અને આપણાં બાળકોનું ભવિષ્ય રોળવાનું કામ આ સરકારે કર્યું છે.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ આગળ ઉમેર્યું કે, આપણને ગર્વ છે કે હવે ધીમે ધીમે ચૈતરભાઈ વસાવાની રાહે ચાલનારા હજારો લોકો ગુજરાતમાં પેદા થઈ રહ્યા છે. જે ક્રાંતિનું બીજ વાવવામાં આવ્યું હતું, તેનાથી આજે સમગ્ર ગુજરાત જાગૃત થઈ રહ્યું છે. આપણે સૌએ ભેગા થઈને ગુજરાતમાંથી આ તાનાશાહી માનસિકતાને ઉખાડી ફેંકવાની છે. ચૈતરભાઈ જેલમાં ગયા ત્યારબાદ, નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઘરે-ઘરે જઈને આશરે દોઢ લાખ જેટલી સહીઓ એકઠી કરી છે. આ પત્રો કલેક્ટરના માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે. આપણે રાષ્ટ્રપતિજી પાસે ન્યાય માગીએ છીએ કે ચૈતરભાઈ વસાવા પર કરાયેલો કેસ સંપૂર્ણપણે ખોટો છે, તેઓ નિર્દોષ છે અને માત્ર તેમના અવાજને દબાવવા માટે જ આ સરકારી નાટક રચવામાં આવ્યું છે.




